ગીરના સાસણના જંગલમાં ચાર મહિના માટે વેકેશન શરૂ થયુ છે. જેથી ગીરના જંગલમાં જીપ્સીની સફારી આગામી તા. 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. આગામી 4 મહિના માટે એશિયાટીક સિંહ(Asiatic Lion)દર્શન પ્રવાસીઓ માટે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન વન્ય પ્રાણીઓનો પ્રજનનકાળ હોય છે. જેથી આ દરમિયાન વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે જંગલ બંધ રાખવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન નદી નાળાઓમાં ધોવાણ થતા વાહનવ વ્યવહાર પણ બંધ થઈ જતો હોય છે. જેના કારણે વનવિભાગ દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસાના ચાર મહિનામાં જીપ્સીની સફારી પ્રવાસીઓ માટે બંધ રાખશે.
તો સાંસણમાં આવેલુ દેવળીયા સફારી પાર્ક અને ધારીમાં આવેલું આંબરડી સફારી પાર્કમાં ચોમાસા દરમિયાન ખુલ્લુ રહેશે. આ દરમિયાન પ્રવાસીઓ એશિયાટીક સિંહો (Asiatic Lion)મુલાકાત લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ પ્રવાસીઓએ સાંસણમાં એશિયાટીક સિંહ(Asiatic Lion)દર્શન કર્યા હતા.
જેનાથી વનવિભાગને 9 કરોડની જંગી આવક થઈ હતી. જિપ્સીના રૂટ સિવાયના તમામ રસ્તાઓ પ્રવાસીઓ માટે ખુલ્લા હોય છે. પરંતુ ચોમાસાના કારણે જંગલમાં વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો વન વિભાગ દ્વારા ચોમાસામાં ઘાસનું વાવતેર સહિતની અન્ય કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે.