સાસન ગીરમાં ફોરેસ્ટ એરિયાની બહાર 18 વર્ષ પહેલા સ્થાઈ થયેલી સિંહણ ‘રાજમાતા’નું જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. રાજમાતાને ઉંમર સંબંધિત તકલીફો હતી અને તે હોઈમોકરોટીઝ નામની બીમારીથી પીડાઈ રહી હતી.
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના લીલીયાના ક્રાકચમાં આજથી 18 વર્ષ પહેલા આવેલી રાજમાતા એક મોટા ટોળાંની સદસ્ય હતી. વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સ્થાઈ થયેલા તમામ સિંહ તેમજ સિંહણ રાજમાતાના જ વંશજો છે. રાજમાતાનું નામ પણ તેની પ્રતિભાને શોભે તેવું હતું, કારણકે આ સિંહણ ગીરના સૌથી મોટા ઝુંડનો હિસ્સો હતી, અને તેના મોત પછી કદાચ આ ઝુંડ વિખેરાઈ જશે તેવું વન્યજીવ પ્રેમીઓનું માનવું છે.
ગીરમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે, તેમાં રાજમાતા જેવી સિંહણોનો પણ મોટો ફાળો છે. ઉંમરને લીધે રાજમાતા શિકાર કરી શકવા પણ સક્ષમ ન હોવાથી તેને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવી હતી, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બીમારીને કારણે રાજમાતાના લોહીમાં પણ ઈન્ફેક્શન થઈ ગયું હતું. જેથી રાજમાતા મોત સામેની જંગ આખરેે હારી ગઈ હતી.