ગીર જંગલનાં ધારી પંથકમાં ૨૩ સિંહોનાં મોતની તપાસનાં નામે માત્ર નૌટંકી થઈ છે. એવો આક્રોશ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી ધારી તાલુકા વિકાસ સમિતિએ ઠાલવ્યો છે. વન વિભાગની લાપરવાહીથી સિંહો વાયરલ રોગનો ભોગ બન્યા છતાં હજુ સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરાયા નથી અને આમજનતા સામે તો વારંવાર કાયદાનું શસ્ત્ર ઉગામી દેવામાં આવે છે. એવો કચવાટ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ધારી તાલુકાનાં શેમરડી ચેકપોસ્ટ વિસ્તારમાં ૨૩ સિંહો મૃત્યુ પામ્યા છે, એ માટે જવાબદાર વન વિભાગ છે કે કેમ? તેવા પ્રશ્નો આમ પ્રજામાં ચર્ચા છે. આ તાલુકાનાં પ્રજાજનો સિંહોની વસ્તી વચ્ચે છેલ્લા ૫૦ વર્ષથી વસવાટ કરતાં હોય, ખુબ જ લાગણી, સહિષ્ણુતા ધરાવે છે. ૨૩ સિંહોનાં મૃત્યુ બાબતે વન વિભાગની નિષ્કાળજી છે કે કેમ? તેની કોઈ તપાસ કરવામાં આવી નથી.
રેવન્યુ વિસ્તારમાં મારણ કરેલ કે મારી ગયેલ પશુઓને વન વિભાગનાં જ વાહનો દ્વારા વન વિસ્તારમાં સિંહોનાં ખોરાક માટે નાખવામાં આવે છે. આવા ખોરાકથી સિંહોનાં મૃત્યુ થયેલ છે કે કેમ? તેની તપાસ ઉચ્ચ કક્ષાએથી થઈ હોવાની કોઈ જાહેરાત વન વિભાગ કે સરકાર તરફથી કરવામાં આવેલી નથી. આમ પણ વન વિભાગની સતત નિષ્કાળજીનાં કારણે વારંવાર સિંહોનાં મૃત્યુ થાય છે.
જેથી સરકાર તરફથી તમામ સિંહોનાં મૃત્યુ બાબતે અન્ય વિભાગ, સી.આઈ.ડી. કે ઉચ્ચ કક્ષાની કમિટિ દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી ધારી તાલુકાની પ્રજાની લાગણી અને માંગણી છે. આમ, પ્રજાજનોની માલીકીની જમીનો, ખેતરો કે જાહેર રોડ, રસ્તા, જાહેર સ્થળોએ પસાર થતાં સિંહોનાં અવર – જવરનાં સમયે સામાન્ય પ્રજાજનો સિંહદર્શન કરતાં હોય તો વન વિભાગ દ્વારા દંડ તથા ફરીયાદો કરવામાં આવે છે, તો આટલી મોટી સંક્યામાં સિંહોનાં મૃત્યુ બાદ વન વિભાગ મૌન કેમ સેવી રહ્યું છે? શું વન વિભાગની આ મૃત્યુ બાબતે કોઈની જવાબદારી જ નથી? તેવો ધારી તાલુકા વિકાસ સમિતિએ સવાલ ઉઠાવ્યો છે.
વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારી તાલુકામાં ઈકો સેન્સીટીવ ઝોનની ગાઈડલાઈન મુજબ સરકારનાં વન વિભાગનાં તા.૧.૭.૧૫નાં પરિપત્રથી પાણીયા અને મિતીયાળા અભ્યારણ્ય વિસ્તારો માટે ૧૦ કિ.મી.ની ત્રિજયામાં હોટલ, રિસોર્ટસ તેમજ પ્રવાસન અને અન્ય વાણિજય તેમજ ઔદ્યોગીક એકમ માટે નિયંત્રણો લાગુ પાડવામાં આવેલ છે. જે નિયંત્રણ હેઠળ ધારી તાલુકા કક્ષાનું ધારી શહેર તેમજ અન્ય ૪૩ જેટલા ગામો સમાવિષ્ટ થાય છે.
જે નિયંત્રણો મુજબ અમલ કરવા ધારી તાલુકાની જનતાં આજદિન સુધી વન વિભાગ સાથે સંકલનમાં રહી સહકાર આપતી રહી છે, પરંતુ ધારી તાલુકાનો વિકાસ વન વિભાગ દ્વારા કરવામાં આવતો નથી. ઉલ્ટાનં ધારી તાલુકામાં વિકાસને રૃંધવા તમામ પ્રયત્નો વન વિભાગદ્વારા થાય છે. વન વિભાગનાં કાયદા તેમજ મહેસુલ વિભાગનાં કાયદાઓનો છડેચોક ભંગ કરી કોઈ અભિપ્રાયોની દરકાર કરવામાં આવતી નથી. જેનાં કારણે ધારી તાલુકાનાં પ્રજાજનોમાં ખુબ અસંતોષ તેમજ રોષની લાગણી ઉભી થવા પામી છે.