પક્ષી સફાઇ કામદાર ગીધની વસ્તી જાળવવી જરૂરી છે, આજે ગીધનું અસ્તિત્વ જોખમમાં
આજે પર્યાવરણનો પ્રશ્ન વિકટ બન્યો છે. પર્યાવરણની જાળવણી કરવા માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે. આપણે જાણતા નથી કે પક્ષીઓ પણ પર્યાવરણને જાળવવામાં સારો એવો ફાળો આપે છે. આવા અનેક પક્ષીઓમાં ગીધની મહત્વની ભુમિકા છે. ગીધને અંગ્રેજી ભાષામાં વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.
ગીધનું મહત્વ
ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી. તે ફક્ત મરેલા પશુ તેમજ જાનવરોને પોતાનો ખોરાક બનાવે છે. મરેલા પશુઓ તેમજ જાનવરોના મૃતદેહો કોહવાઈ ત્યારે તેમાં અસંખ્ય જીવાણું અને વિષાણુંઓ પેદા થાય છે. જે માનવ જીવન માટે ખૂબજ હાનિકારક અને જોખમી છે. તથા નવા નવા રોગોનું સર્જન કરે છે. આમ ગીધ એ પ્રકૃતિએ રચેલી સફાઇ પ્રવૃત્તિનો ખૂબજ અગત્યનો ભાગ છે અને માનવજીવન માટે આર્શીવાદ રૂપ છે.
ગીધનો રંગ કથ્થાઇ અને કાળો હોય છે અને ભારે કદના પક્ષી છે. તેની દ્રષ્ટિ અત્યંત તીક્ષ્ણ હોય છે. શિકારી પક્ષીઓની જેમ તેની ચાંચ પણ વાંકી અને મજબૂત હોય છે. પરંતુ તેના અને નખ તેના જેવા તેજ કે મજબૂત હોતા નથી. તે કાયમાં ઝૂંડમાં જોવા મળે છે. જેનાથી કોઇ પણ ગંદી કે સૂગ ચડે તેવી ચીજો બચતી શકતી નથી.
ગીધ સાથે સંકળાયેલી રોચક વાતો
ગીધની લંબાઇ 1030-1150 મી.મી હોય છે. ગીધની પાંખોનો વ્યાપ 755-805 મી.મી. તેમજ તેની પૂંછડી 355-405 મી.મી. અને તેના ધડનો ભાગ 110-126 મી.મી. અને તેની ઊંચાઈ 71-77 મી.મી.ની હોય છે. ગીધનું વજન 8-10 કિલોગ્રામ સુધીનું હોય છે. વિશ્વમાં તેની 21 પ્રજાતિઓ છે.
ભારતમા ગીધની નીચે પ્રમાણે પ્રજાતિઓ જોવા મળે છે
જેમાં ભારતીય ગીધ (Gyps indicus), લાંબી ચાંચવાળા ગીધ (Gyps tenuirostris), લાલ શિરવાળા ગીધ (Sarcogyps calvus), બંગાળના ગીધ (Gyps bengalensis) અને સફેદ ગીધ (Neophron percnopterus ginginianus)નો સમાવેશ થાય છે.ગુજરાતમાં મુખ્યત્વે 4 પ્રકારનાં ગીધ જોવા મળે છે જેમાં સફેદપીથ ગીધ,ગીરનારી ગીધ,રાજ ગીધ,ખોળો ગીધ આ ઉપરાંત બે પ્રકારનાં ગીધ એવા છે જે ભાગ્યે જ જોવા મળે છે.જાણકારોનાં મતે ડાકુ ગીધ અને પહાડી-બદામી ગીધ પ્રવાસી ગીધ છે.જે રાજ્યનાં અવાર-નવાર મહેમાન બને છે.
કેવા હોય છે ગીધનાં માળા ?
સામાન્ય રીતે ગીધના માળા ગોળ સુંડલા આકારનાં હોય છે જે આશરે ૨ ફુટનો વ્યાસ ધરાવે છે.પાંદડા,ઘાસ,નાના-મોટા સાઠીકડાં વગેરેનાં રેસામાંથી તેઓ પોતાનો માળો બનાવે છે.ખૂબ જ ઉંચાઇ પર આવેલા વૃક્ષો અથવા બાખોલા જેવી જગ્યા પર ગીધ માળો બનાવે છે અને ગીધ તેમાં વસવાટ કરે છે.માંડવી તાલુકાનાં પોલડીયા ગામે એક બાખોલમાં ૫થી 10 માળા, તેમજ ગીરનારનાં પહાડી વિસ્તારમાં એક જ બાખોલમાં 15થી 20 માળા જોવા મળ્યા હતા.સામાન્ય રીતે આવા ઓછા સ્થળો હોય છે જ્યાં આટલી મોટી સંખ્યામાં ગીધનાં માળા જોવા મળતાં હોય છે.
કેવી રીતે થાય છે ગીધની ગણતરી ?
આપને જરૂર પ્રશ્ન ઉદભવતો હશે કે પક્ષીઓની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હશે.ભુલમાંને ભુલમાં એકનું એક પક્ષી બીજીવાર ગણાય જાય તો ?તો અંગે સમજાવતા નવીન બાફટ કહે છે કે ગીધની ગણતરી ખૂબ જ ચીવટ પૂર્વક કરવામાં આવે છે.સૌ પ્રથમ ગીધનાં વસવાટવાળા વિસ્તારની જાણકારી એકગ્ર કરવામાં આવે છે.ત્યારબાદ તેના માળાનો સર્વે કરવામાં આવે છે.ગીધની ગણતરી માટે સામાન્ય રીતે સવારે 9 થી 12 અને સાંજે 5 થી 6નો સમયગાળો ઉત્તમ માનવામાં આવે છે.કારણ કે સવારે વાતાવરણમાં હવા ગરમ થતી હોય તેવા સમયે ગીધ પોતાનો માળો છોડીને બહાર નિકળે છે.જ્યારે સાંજનો સમય ગીધને માળામાં પરત ફરવાનો હોય છે માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે.રાજ્યમાં ગીધની સંખ્યા અને માળાની સંખ્યા ઓછી હોવાથી ગણતરી કરવી સહેલી બને છે,જે તે ગીધ પોતાના માળામાંથી ઉડીને જાય છે અને સાંજે પાછા આવે છે માટે માળાને જ કેન્દ્રમાં રાખીને ગણતરી કરવામાં આવે છે.
ગીધ સર્વેક્ષણ
ગુજરાત વન વિભાગ, ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ (‘‘ગીર’’) ફાઉન્ડેશન, ગાંધીનગર, પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવી પક્ષી નિરીક્ષકો દ્વારા ગુજરાત રાજયમાં વિલુપ્તિના આરે આવેલા ગીધ પક્ષીનાં સર્વેક્ષણની કામગીરી કરે છે. આ કામગીરી સને 2005થી હાથ ધરવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.
છેલ્લા ચાર વર્ષને અંતે ગીધની વસ્તીનો અંદાજ
વર્ષ સંખ્યા
2005 2647
2007 1431
2010 1065
2012 1043
ગીધની સંખ્યામાં ઘટાડો થવા પાછળનું કારણ શું છે ?
આ જાતિ કેટલાક વર્ષો પહેલા સમગ્ર ક્ષેત્રમાં પુષ્કળ માત્રામાં જોવા મળતા હતા. 1990ના દશકામાં તે જાતિનું 97થી 99 ટકા પતન થઇ ગયું હતું. તેનું મુખ્ય કારણ પશુ દવા પાલતુ ઢોરોને સોઝાના ઓસડ તરીકે અપાતી માનવામાં આવે છે. આ દવાનું ખાસ પ્રકારનું રસાયણ ઢોરના મડદા ખાનાર ગીધના કોષ બંધ થઇ જાય છે. કેન્દ્ર સરકારે 2006માં ડ્રાયક્લોફિનેક પ્રતિબંધિત કરવામાં આવી હતી. હવે નવી દવા મેલોક્સિકેમ આવી ગઇ છે. અને આપણા ગીધ માટે હાનિકારક પણ નથી. હવે જો આ દવાનો જો પશુપાલક ઉપયોગ કરશે તો કદાચ આપણા ગીધ મરતા અટકી જાય. ગીધ રાતવાસા માટે તથા માળો બનાવવા માટે ઉંચા વૃક્ષો પસંદ કરે છે,જંગલો તથા માનવ વસાહતોની આસપાસ ઉંચા વૃક્ષો કપાઇ જતા તેમની પ્રજનનની પ્રક્રિયામાં અવરોઝ ઉભો થાય છે.ખોરાકની અછત પણ એક કારણ માનવામાં આવે છે.
વર્ષ 2020માં આપણે 6.5 કરોડમાંથી 7 કરોડ અથવા 8 કરોડ થઇ ગયા હશું પરંતુ અફસોસની વાત એ હશે કે વનવગડાના અમુક પક્ષીઓની સંખ્યા ત્યારે એટલી ઘટી ગઇ હશે. કે તેની ગણતરી કરવા માટે ખાસ ઝુંબેશ આદરવી પડે,માત્ર આંગણીના ટેરવે જ પક્ષીઓની ગણતરી થઇ શકશે. લુપ્ત થતાં પક્ષીઓની યાદીમાં કુદરતનાં સફાઇકામદાર ગણાતા ગીધની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે. જાણકારોના મત મુજબ વર્ષ 2020 સુધીમાં રાજ્યમાં ગીધ નામશેષ થઇ જશે. (વર્ષ 2012 મુજબ) ગીધની છેલ્લી ગણતરી મુજબ સમગ્ર રાજ્યમાં ફક્ત ૧૦૪૩ જ ગીધ જ બચેલા છે. પ્રકૃતિના સૌથી ઉપયોગી સફાઇકામદાર ગીધ ક્યારેય પણ કોઇ પણ પશુ-પંખીનો શિકાર કરતો નથી તે માત્ર મરેલા જાનવરો આરોગે છે.તેથી જ તેને પર્યાવરણનાં સફાઇકારો માનવામાં આવે છે.પર્યાવરણને શુદ્ધ રાખવામાં જે પક્ષીનું વિશેષ યોગદાન રહ્યુ છે તેવા ગીધ આજે ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે.જો ગીધના સંરક્ષણ માટે કોઇ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં ગીધ માત્ર મોબાઇલ,ટીવી કે કોમ્પ્યુટરની સ્ક્રીન સિવાય ક્યાંક જોવા નહીં મળે.