મોબાઇલ ફોનમાંથી સિંહો મારણ કરતા હોવાની અનેક વિડિયો ક્લીપ મળી

ગિરગઢડા નજીક જંગલ વિસ્તારમાં ચાલતું ગેરકાયદે લાયન શો રેકેટ વન વિભાગે ઝડપી લઇને અમદાવાદના ત્રણ નબીરા સહિત સાત શખ્સોની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ શખ્સોના મોબાઇલ ફોનમાંથી સિંહો મારણ કરતા હોવા સહિતની અનેક વિડિયો ક્લીપીંગ પણ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ ગિરગઢડા તાલુકાના જંગલ વિસ્તારની બાબરીયા રેન્જમાં આવેલા ધુ્રબક વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા સાત શખ્સોને શુક્રવારની મધરાત્રે વનવિભાગના સ્ટાફે ઝડપી પાડયા હતા. જેમાં આ તમામ આરોપીઓને ગિરગઢડા સિવીલ કોર્ટમાં રજુ કરાતા છ આરોપીઓએ સીવિલ જજ સમક્ષ તેમને વનવિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓએ માર માર્યો હોવાની રજૂઆત કરતા તમામ આરોપીઓને ગિરગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલા હતા. ગિરગઢડા વિસ્તારમાં આ ઘટના દિવસભર ચર્ચાનો વિષય બની હતી.

વન વિભાગના એસીએફ વાઘેલા તથા આરએફઓ ડો. રાજન જાદવ સહિતના જંગલખાતાના મોટી સંખ્યામાં કર્મચારીઓ ગિરગઢડા પહોંચ્યા હતા. કોર્ટના હૂકમ મુજબ તમામ આરોપીઓને ગિરગઢડામાં તબીબી સારવાર બાદ મોડી રાતે ઉના જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

બાબરીયાી રેન્ડના આરએફઓ અને એસીએફ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાબરીયા રેન્જ અભ્યારણ વિસ્તારમાં લાયનશોનું રેકેટ ઝડપાયું છે. આ શખ્સો પાસેથી મોબાઇલ જપ્ત થયા છે. તેમાં લાયન શોની વિડીયો ક્લીપો મળેલ તે કલ્પના બહારની છે. જેથી આ પ્રકરણની ઝીંણવટભરી તપાસ કરાશે.