અમરેલીથી એશિયાટીક સિંહો પોતાના બચ્ચાંને લઈને 120 કી.મી દુર પહોચી, માર્ગ ભટકી ગયા હોવાથી પરત જવાની શકયતા
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત એશિયાટીક સિંહની ગર્જનાથી સીમાડા ગુજી ઉઠયા છે. સાસણ ગીરના જંગલ વિસ્તારથી આશરે 200 કિ.મી દૂર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા વિસ્તારમાં પ્રથમ વખત એશિયાટીક સિંહ દેખાયો છે. અને સ્થાનિક વન વિભાગે પણ એશિયાટીક સિંહ દેખાયાની પુષ્ટિ કરી છે. ચોટીલામાં જોવા મળેલ એશિયાટીક સિંહ અમરેલીના બાબરા બાજુથી આવ્યા હોવાનું અનુમાન છે. ઢેઢૂકી વિસ્તારમાં એશિયાટીક સિંહના હાજરીના નિશાન તેમજ પંજાના નિશાન અને મારણ કરેલાં પશુઓ મળી આવ્યા હતા. ત્યારે વન વિભાગે ચોટીલાના ગામમાં સતર્ક રહેવા સૂચના આપી છે. સાસણ ગીર જંગલ વિસ્તાર છોડીને હવે પોતાનો રહેણાક વિસ્તાર વધારી રહ્યા છે.
સાસણ ગીર નેશનલ પાર્કએ એશિયાટીક સિંહોનું ઘર છે. જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાની સરહદમાં એશિયાટીક સિંહોનો વિસ્તાર છે. જો કે સરકારના સતત પ્રયત્નોના પગલે એશિયાટીક સિંહોની વસ્તી મક્કમ ગતિએ વધી રહી છે. વનરાજ પોતાના રહેઠાણના વિસ્તાર વધારી રહ્યા છે. એવા સમયે હાલ તે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પહોંચી ગયા છે.
સાસણ ગીરના એશિયાટીક સિંહો એ ગુજરાતનું ગૌરવ અને શાન છે. ગીરનું જંગલ એશિયાટીક સિંહોને રહેણાક માટે ટૂંકું પડી રહ્યું છે. સાસણ ગીર ઉપરાંત આસપાસ ના જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં એશિયાટીક સિંહો જોવા મળી રહ્યા છે. અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં તો એશિયાટીક સિંહોનો છેલ્લા ઘણા વર્ષોથી મુકામ જોવા મળે છે. પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લામાં જસદણ અને વિંછીયા તાલુકાની હદમાં અને હવે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં એશિયાટીક સિંહોના ધામાં અને પોતાની હાજરી હોવાના સંકેતો આપ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં ફફડાટ વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, વન વિભાગની વર્ષ 2015 ની છેલ્લી ગણતરી મુજબ 523 એશિયાટીક સિંહોનો ગીર અને આસપાસ ના જિલ્લામાં વસવાટ છે. એશિયાટીક સિંહોને સૌરાષ્ટ્રનો વિસ્તાર ખુબ અનુકૂળ આવી ગયો હોય એમ એશિયાટીક સિંહોની સંખ્યા સતત વધી રહી છે. હાલ એક અંદાજ મુજબ 600 કરતા વધુ એશિયાટિક સિંહોની સંખ્યા સાસણ ગીરના જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મળીને હોવાનો સરકારનો અંદાજ છે.
એશિયાટીક સિંહો એક રાતમાં 25થી 30 કી.મી અંતર કાપી શકે છે:
એશિયાટીક સિંહ દિવસે સામાન્ય રીતે આરામ કરે છે. અને રાત્રીના સમયે 25થી 30 કી.મીનું અંતર કાપી શકે છે. એશિયાટીક સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 સુધી ભોજન વિના રહી શકવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે સિંહોમાં સિંહણ જ મોટા ભાગે શિકાક કરે છે. જયારે સિંહ પોતાના ગૃપનું રક્ષણ કરે છે.
એશિયાટીક સિંહ માટે 120 કી.મીનું અંતર કાપવું સામાન્ય છે:
ચોટીલાના આસપાસના વિસ્તારમાં એશિયાટીક સિંહની હાજરી હોવાના નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં પ્રાથમિક તપાસમાં 2 એશિયાટીક સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર એશિયાટીક બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું જાણવા મળી રહ્યું છે. હાલ આ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા એશિયાટીક સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, વિંંછીયા, જસદણ અને હિંંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 50થી વધુ કર્મચારીઓ રાત દિવસ અલગ અલગ ટીમો બનાવી આસપાસના તમામ વિસ્તારોમાં તમામ ગામોની સીમો ખુંદી રહી છે.