સમગ્ર વિસ્તારના તેર ઝોનમાં તેર ટીમ વહેચીને પક્ષીઓની ગણતરીનું આયોજન
સમયાંતરે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની અને પક્ષી તીર્થો ખાતે મહેમાન બનતા દેશી વિદેશી પક્ષીઓની , વિવિધ માપદંડો ને અનુસરીને અને બહુધા વિવિધ સાધનો દ્વારા ટોળામાં ઉડતા પક્ષીઓની સંખ્યાનો નિરીક્ષણ દ્વારા અંદાજ બાંધીને ગણતરી કરવામાં આવે છે. આ પ્રકારનો વ્યાયામ આવા કુદરતી સ્થળો ખાતે પક્ષીઓ અને પ્રાણીઓ માટે બહેતર વ્યવસ્થાઓ કરવામાં,તેમના રક્ષણ અને સંવર્ધન ની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં ઉપયોગી નીવડે છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં,વડોદરા થી અંદાજે પચાસ કિમી ના અંતરે આવેલા અને મહારાજા સયાજીરાવે બંધાવેલા શતાયુ વઢવાણા જળાશય ખાતે વન્ય જીવ વિભાગ, વડોદરા એ નાયબ વન સંરક્ષક બી.આર.વાઘેલા ના માર્ગદર્શન અને બર્ડમેન સલીમ અલી સાહેબ સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી ના ટેકનિકલ સપોર્ટ અને મ.સ. યુનિવર્સીટીના સહયોગ થી આ વર્ષના શિયાળામાં મહેમાન બનેલા પંખાળા દેવદૂતો ની ગણતરી માંડવાનું , ૨૦૨૧ ના પ્રથમ દિવસે, શુક્રવારના રોજ આયોજન કર્યું છે.
ભારત સરકારે ઠરાવેલા કૉવિડ પ્રોટોકોલ ને અનુસરીને પક્ષી ગણતરી નો આ નવો અનુભવ અન્ય રીતે પણ ઉપયોગી બની રહેશે. તેના કામમાં પક્ષી અને વન્ય પ્રાણીઓ ને સમર્પિત ફોટોગ્રાફરો અને બર્ડ વોચર્સ હરહંમેશ ની જેમ સહયોગ આપી રહ્યાં છે.આ કામગીરી ને અનુલક્ષીને તા. ૧લી જાન્યુઆરી ના રોજ પ્રવાસીઓ માટે પક્ષી દર્શન બંધ રાખવામાં આવ્યું છે.
વન્ય જીવ વિભાગ,વડોદરા દ્વારા પક્ષી ગણતરી ની વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓ પર પ્રકાશ પાડતા બી.એન.એચ.એસ.ના સાયંટીસ્ટ ડો. ભાવિક પટેલે જણાવ્યું કે આ વર્ષે કૉવિડ ગાઈડ લાઈન ના પાલન હેઠળ આગોતરા ફોર્મ ભરાવીને આ કામનો ખૂબ સારો અનુભવ ધરાવતા હોય એવા લોકોની અને શક્ય તેટલી મર્યાદિત સંખ્યામાં પસંદગી વન્ય જીવ વિભાગ વડોદરા દ્વારા કરવામાં આવી છે અને અન્ય જરૂરી વ્યવસ્થાની સાથે સોશીયલ ડિસ્ટન્સ ના નિયમો પાળીને આ કામગીરી કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
વન વિભાગના આયોજન પ્રમાણે સમગ્ર જળાશય અને પરિસર વિસ્તારને પહેલા 11 ઝોનમાં વહેંચી ને પંખી ગણના થતી હતી.આ વખતે 13 ઝોનમાં 13 ટીમો પક્ષી નિરીક્ષણ અને ગણતરી કરશે. પ્રત્યેક ટીમ માં એક સ્વયંસેવક અને 3 વન કર્મી રાખવામાં આવશે.દૂર નિરીક્ષણ યંત્રો જેવા સાધનો ઉપયોગમાં લેવામાં આવશે.સવાર અને સાંજના બે સત્રોમા ગણતરી કરશે જેના માટે પ્રત્યેક ટુકડી બે જુદાં જુદાં ફોર્મસ નો ઉપયોગ કરશે.ગણતરી નો નિષ્કર્ષ ઝડપ થી અને સચોટ મળે તે માટે ત્વરિત ડેટા એન્ટ્રી શક્ય બને એની કાળજી લેવામાં આવશે.
ધુમ્મસ વધુ ના હોય તો આ કામગીરી સવારે આઠ વાગ્યે અને અન્યથા સાડા આઠ વાગે શરૂ કરવાનું આયોજન છે. કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી અને આર.એફ.ઓ. ખત્રી ના સંકલન હેઠળ વન કર્મચારીઓ યોગદાન આપશે.