જો તમે અમદાવાદથી મુલાકાતે જઈ શકાય એવું સુંદર, મનોરમ્ય સ્થળ જોવા ઈચ્છો છો તો થોળ લેક પક્ષી અભયારણ્ય એક આદર્શ અને ઉત્કૃષ્ઠ મુલાકાતી સ્થળ છે. થોળ તળાવ 7 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. આ તળાવમાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 100 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળી શકે છે.
જલપ્લાવીત વિસ્તાર તરીકે વિશાળ ક્ષેત્રફળમાં વ્યાપેલા થોળ તળાવનું નિર્માણ ગાયકવાડી સમયે આજ થી 109 વર્ષ પહેલાં ઇ.સ.1912માં કરવામાં આવ્યું હતું. આ તળાવ ગાયકવાડી સમયમાં ખેતી માટે સિંચાઇના નીર સંગ્રહ થાય અને ખેડૂતોને લાભ મળે તે હેતુથી નિર્માણ કરવામાં આવ્યું હતું. સમય જતાં કુદરતના ખોળે સૌંદર્ય પાથરતા પક્ષીઓએ આ સ્થળને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું ત્યારે અહીં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મહેમાન બનતા વર્ષ 1988માં સરકાર દ્વારા આ સ્થળે પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું આમ થોળ તળાવ એક પક્ષીઅભિયારણ તરીકે નામના પામ્યું
થોળ તળાવ ગાયકવાડી સમયે એ રીતે નિર્માણ કરાયું છે કે જ્યારે વરસાદી પાણી આ તળાવમાં સંગ્રહિત થાય છે અને જ્યારે શિયાળાની સીઝનમાં ઉત્તર પર્વતીય વિસ્તારોમાં પર્વતો નદીઓ ઝરણાં અને સરોવરો બર્ફીલા બની જાય છે, ત્યારે ત્યાં વસતા પક્ષીઓ પોતાના જીવનનિર્વાહ માટે હજ્જારો માઈલો દૂર આવેલા વિદેશોથી થોળ પક્ષી અભયારણ્યમાં આશરો લે છે. જેમાં દર વર્ષે બારહેડેડ ગુઝ (રાજહંસ), ડેમજોલ ક્રેન, ડગ્સ-ગુઝ અને માઈગ્રેનરી બર્ડ મળી 50 થી 60 હજારની સંખ્યામાં આ વિદેશી પક્ષીઓ આ અભયારણ્યમાં આશરો લેતા હોય છે.
ચાલુ વર્ષેની જો વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆતથી વિદેશી પક્ષીઓનું થોળ તળાવમાં આગમન શરૂ થયું છે. જેમાં અત્યાર સુધી અંદાજે 40 હજાર પક્ષીઓ હાલમાં આ જળપલજ્વલિત વિસ્તારમાં આવ્યા છે. મહત્વનું છે કે જાઉસ અને ચાઇના જેવા ઉત્તરીય પ્રદેશોમાંથી હિમાલય જેવા વિશાળ ઊંચા પર્વતને પાર કરી બાર હેડેડગુઝ નામના રાજહંસ પક્ષીઓ પોતે સૌથી ઊંચી ઉડાન ભરી શકતા હોઈ અહીં થોળ અભ્યારણ્ય માં શિયાળો વિતાવવા 2000 હજારથી વધુ સઁખ્યામાં આવ્યા છે. જે આ વખતે રાજહંસની એક સાથે થોળ મુલાકાતનો એક મહત્વનો આંક જોવા મળી રહ્યો છે, તો ફાલ્કન નામના એક પક્ષીએ પણ દેખા દીધી હોવાનું સ્થાનિક તંત્રને નજરે પડ્યું છે. જોકે પક્ષીની ચોક્કસ પ્રકારે ઓળખ કર્યા બાદ તેની વિગતો જાહેર કરાશે.
થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષીઓને કોઈ ખલેલ ના પહોંચે તે રીતે માહોલ જાળવી રાખવામાં આવ્યો છે. સાથે જ ગાયકવાડી સરકારના જે ઉદ્દેશથી આ તળાવ બંધાયું હતું, તે સિંચાઈના હેતુને પણ આજે જાળવી રખાયો છે. અહીંના વિસ્તારના ખેડૂતો ખેતીકામ માટે જરૂરી પાણી આ તળાવમાંથી સિંચાઈ રૂપે મેળવી રહ્યા છે. આમ થોળ તળાવ હાલમાં ધરતીની સુંદરતા સાથે પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલેલું હોવાથી અહીં આવતા લોકો નયનરમ્ય દ્રશ્યો નિહાળી અદ્ભુત ખુશીઓની પળો માણી રહ્યા છે.
તાજા પાણીનું આ તળાવ- સરોવરનો કિનારો કાદવથી સભર અને ચોતરફ ગાઢ જંગલી વનસ્પતિઓથી ઘેરાયેલો નજરે પડે છે. ત્રસ્ત અને વ્યસ્ત શહેરી જિવનમાંથી છુટકારો પામવા તેમજ શાંત , સ્વચ્છ, અને પ્રસન્ન પર્યાવરણ વચ્ચે રમમાણ થવા અત્રે નવેમ્બર થી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.