વન વિભાગે એક ખાસ સોફ્ટવેર વિથ ઇન્ટેલીજન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટિફિકેશન ઓફ્ એશિયાટીક લાયન્સ (સિમ્બા) લોંચ કર્યો
એક સમયે લુપ્ત થવાના આરે રહેલ એશિયાટિક સિંહોએ સૌરાષ્ટ્રમાં ગુમાવેલ તેના વસવાટના વિસ્તારોને કુદરતી રીતે વિહરીને પાછો મેળવી રહ્યા છે. ત્યારે આજે ગીરના જંગલમાં 674થી વધુ સિંહોનો વસવાટ છે. આ સિંહોને પણ વ્યક્તિગત ઓળખ મળે તે માટે ગુજરાત વન વિભાગે એક ખાસ સોફ્ટવેર વિથ ઇન્ટેલીજન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટિફિકેશન ઓફ્ એશિયાટીક લાયન્સ (સિમ્બા) લોંચ કર્યો છે.

મિડીયા રિપોર્ટ મુજબ ગીરના જંગલમાં વસવાટ કરતા સિંહોનો કોઈ સવિશેષ ડેટા બેઇઝ વન વિભાગ પાસે નથી. ભવિષ્યમાં જ્યારે કોઈ સિંહ વિશે સંશોધન કરવું હોય અથવા તેની સાથે કોઈ ઘટના બને ત્યારે તેની ઓળખ મળે તે માટે વન વિભાગે એક સોફ્ટવેર લોંચ કર્યો છે.
આ અંગે સાસણના ડીસીએફ્ ડો.મોહન રામએ જણાવ્યું હતુ કે એશીયાઇ સિંહોની વધતી જતી વસ્તી અને તેના સંરક્ષણ તેમજ વ્યવસ્થાપન અંગે મેક ઈન ઈન્ડિયાના ભાગરૂપે, સિમ્બા નામનો એક સોફ્ટવેર હૈદરાબાદ સ્થિત ટેલિઓલેબ્સ દ્વારા વિકસાવાયો છે. જેના થકી આગામી દિવસોમાં જંગલમાં વસતા સિંહોના ફોટોગ્રાફ્ લઈને તેની એક વિશેષ ઓળખ, તેનો વિસ્તાર સહિતના ડેટા એન્ટ્રી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓળખ તેના શરીર પર રહેલા કોઇ ચિન્હો, પેટર્ન, શરીરના કોઇ ભાગના ચોક્કસ આકારના ઉપયોગ વડે કરાશે. સિંહોના ચહેરા, કાન પરના અન્ય ઓળખી શકાય તેવા ચિન્હોની વિશિષ્ટતાને ઓળખીને વ્યક્તિગત ઓળખનો અંદાજ લગાવવામાં આવે છે. વ્યક્તિગત ઓળખ મેળવી અનન્ય નંબર, નામનો ઉપયોગ કરી ડેટા-બેઝ તૈયાર થશે. આ સોફ્ટવેર યુઝરને સિંહ પહેલાથી ડેટા-બેઝમાં ઉપલબ્ધ છે કે કોઇ નવો સિંહ છે તે શોધવામાં પણ મદદ કરશે.