આજે છે વર્લ્ડ રાઇનો ડે. WWF-દક્ષિણ આફ્રિકાએ વિશ્વમાં બાકી બચેલા ગેંડાને બચાવવાના પ્રયાસરૂપે વર્લ્ડ રાઇનો ડેની જાહેરાત કરી. દિવસે વિશ્વમાં ગેંડાના અસ્તિત્વની ઊજવણી કરે છે અને તેમના કલ્યાણને લગતી સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવે છે. “ગેંડાને બચાવવાનો એક માત્ર માર્ગ છે, તે જે પર્યાવરણમાં રહે છે, તે પર્યાવરણનું રક્ષણ કરવું, કારણ કે, ગેંડા અને પ્રાણીઓ-વનસ્પતિઓની અન્ય લાખો પ્રજાતિઓ વચ્ચે પરસ્પરાવલંબન પ્રવર્તે છે.”
ડેવિડ એટનબરો:
વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી ગેંડાની પાંચ પ્રજાતિઓનું મહત્વ સમજાવવા અને તેમની સામે રહેલા પડકારો પર પ્રકાશ પાડવાના હેતુથી દર વર્ષે 22મી સપ્ટેમ્બરને વર્લ્ડ રાઇનો ડે (વિશ્વ ગેંડા દિવસ) તરીકે ઊજવવામાં આવે છે. આ વિશેષ દિવસ, ગેંડાના રક્ષણ ક્ષેત્રે કાર્યરત સંગઠનો, બિન-સરકારી સંગઠનો (એનજીઓ), પ્રાણી સંગ્રહાલયો અને જનતાને પોત-પોતાની આગવી રીતે ગેંડાનું મહત્વ અંકિત કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવાની તક પૂરી પાડે છે.
IUCN દ્વારા આફ્રિકા અને એશિયામાં વસતી ગેંડાની પાંચ પ્રજાતિઓમાંથી ત્રણ પ્રજાતિના અસ્તિત્વ સામે ગંભીર જોખમ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રણ પ્રજાતિઓની આ યાદીમાં જાવન ગેંડા (રાઇનોસોરસ સોન્ડેઇકસ), સુમાત્રન રાઇનો (ડાઇસેરોરાઇનસ સુમાટ્રેન્સિસ) અને બ્લેક રાઇનો (ડિસેરો બિકોર્નિસ)નો સમાવેશ થાય છે. આ દરમિયાન, વ્હાઇટ રાઇનો (કેરાટોથેરિયમ સિમમ – સફેદ ગેંડા)નું અસ્તિત્વ જોખમના આરે અને એક શિંગી ગેંડા (રાઇનોસોરસ યુનિકોર્નિસ)ની પ્રજાતિ દુર્લભ થવાના આરે હોવાનું મનાય છે.
વર્લ્ડ રાઇનો ડેનો ઇતિહાસ:
2010માં એ તથ્ય ઉજાગર થયું હતું કે, ગેંડાની અવદશા તરફ વિશ્વનાં લોકોનું ધ્યાન ગયું નથી અને ઘણા-ખરા લોકો જાણતા ન હતા કે, વિશ્વમાંથી આ અદભૂત પ્રજાતિ સંપૂર્ણપણે લુપ્ત થવાના આરે હતી. ગેંડાની પ્રજાતિના અસ્તિત્વની સ્થિતિ એટલી ગંભીર હતી કે, તે સમયે સમગ્ર વિશ્વમાં 30,000 કરતાં પણ ઓછા ગેંડા બચ્યા હતા. આથી, તે સમયે WWF-દક્ષિણ આફ્રિકાએ વિશ્વમાં બાકી બચેલા ગેંડાને બચાવવાના પ્રયાસરૂપે વર્લ્ડ રાઇનો ડેની જાહેરાત કરી. WWFના આ પ્રયત્નને અભૂતપૂર્વ સફળતા સાંપડી. વર્લ્ડ રાઇનો ડે વિશ્વમાં ગેંડાના અસ્તિત્વની ઊજવણી કરે છે અને તેમના કલ્યાણને લગતી સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવે છે. તાજેતરનાં વર્ષોમાં શહેરીકરણ, પ્રદૂષણ અને ગેંડાના ગેરકાનૂની શિકારને કારણે ગેંડાના અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે, જેના કારણે ગેંડાની કેટલીક ચોક્કસ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે આવી ગઇ છે, તો અન્ય પ્રજાતિઓનું અસ્તિત્વ ગંભીર રીતે જોખમાયું છે.
2011માં લિસા જેન કેમ્પબેલે રિષજાને ઇમેઇલ પાઠવ્યો, જેઓ પણ ગેંડા પ્રત્યે સ્નેહ ધરાવતાં હતાં અને વિશ્વમાં ગેંડાની પાંચ પ્રજાતિઓ યથાવત્ રહે અને આપણી ભાવિ પેઢીઓ પણ આ કદાવર પ્રાણીને જોઇ શકે, તેમ ઇચ્છતાં હતાં. આ બે મહિલાઓના પ્રયાસો થકી વર્લ્ડ રાઇનો ડેનો વિચાર વિશ્વભરમાં ફેલાયો અને તેને ભારે સફળતા સાંપડી. અલબત્ત, વિશ્વમાં આશરે માંડ 100 સુમાત્રન ગેંડા અને 60થી 65 જેટલા જાવન ગેંડા બચ્યા છે, તો બીજી તરફ આફ્રિકામાં ગેંડાની સંખ્યામાં સુધારો જોવા મળ્યો હોવા છતાં આ ક્ષેત્રે હજી ઘણું કામ કરવું બાકી છે.
વર્લ્ડ રાઇનો ડેની ઊજવણી કેવી રીતે કરવી?
આપણા આધુનિક વિશ્વમાં ગેંડાની દુર્દશા વિશે જ્ઞાન મેળવવા સાથે તથા બાકી બચેલા ગેંડાને બચાવવા માટે તમે શું મદદ કરી શકો છો, તે વિચાર સાથે વર્લ્ડ રાઇનો ડેની ઊજવણીની શરૂઆત કરવી. ગેંડા બળ, પ્રતિકાર અને અડગતાનું શક્તિશાળી પ્રતીક છે અને એક સમયે વિશ્વમાં વિચરનારી આ પ્રજાતિ ધરતી પરથી લુપ્ત થઇ જાય, એ આપણા માટે અત્યંત શરમની વાત ગણાશે. આ મનમોહક પ્રાણીને વિશ્વમાંથી અદ્રશ્ય ન થવા દેશો, મિત્રો અને પરિવારજનો સાથે મળીને તમે ગેંડાનું રક્ષણ કરવા માટેનું ભંડોળ ઊભું કરવામાં મદદ કરી શકો છો.
વિશ્વમાં આફ્રિકા અને એશિયામાં અસ્તિત્વ ધરાવતી ગેંડાની પાંચ પ્રજાતિઓ:
જાવન રાઇનો (રિનોસરોસ સોન્ડેઇકસ): અસ્તિત્વ સામે ગંભીર જોખમ (IUCN)
સુમાત્રન રાઇનો (ડિસેરોરિનસ સુમાત્રેન્સિસ): અસ્તિત્વ સામે ગંભીર જોખમ (IUCN)
બ્લેક રાઇનો (ડિસેરોસ બાઇકોર્નિસ): અસ્તિત્વ સામે ગંભીર જોખમ (IUCN)
વ્હાઇટ રાઇનો (કેરેટોથેરિયમ સિમમ) : અસ્તિત્વ સામે જોખમ (IUCN)
ગ્રેટર વન-હોર્ન રાઇનો (રાઇનોસોરસ યુનિકોર્નિસ) : અસ્તિત્વ સામે જોખમ (IUCN)
ગેંડા અંગેના મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર:
ચીનની સરકારે 29મી ઓક્ટોબર, 2018ના રોજ જાહેરાત કરી હતી કે, તેણે દેશમાં તબીબી ઉપયોગ માટે અને સાંસ્કૃતિક હેતુ માટે ગેંડાના શીંગડા અને વાઘનાં હાડકાંના ‘નિયંત્રિત’ ઉપયોગને કાયદેસર બનાવ્યો છે. નવા નિયમો હેઠળ, ઉછેર કેન્દ્રોમાં ઉછેરવામાં આવેલા ગેંડા અને વાઘના અનુક્રમે શીંગડા અને હાડકાંનો તબીબી હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે, આ સાથે 1993માં ફરમાવાયેલો પ્રતિબંધ હટાવી લેવાયો હતો.
20મી સપ્ટેમ્બહ, 2018ના રોજ – વર્લ્ડ રાઇનો ડેના બે દિવસ પહેલાં જ – આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંગઠનોના સંઘે અસ્તિત્વ સામે ગંભીર જોખમ ધરાવતી પ્રજાતિઓ માટે કેપ્ટિવ બ્રીડિંગ (સલામત સ્થિતિમાં ઉછેર)ના કાર્યક્રમને સહાય પૂરી પાડવા સુમાત્રન રાઇનો રેસ્ક્યૂ નામના પ્રયાસના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરી.
22મી ડિસેમ્બર, 2018ના રોજ ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર વિનાશક ત્સુનામી આવ્યું. આ સુનામીના કારણે પાંચ મીટર (16 ફૂટ) જેટલાં ઊંચાં મોજાં સર્જાયાં, આ પૈકીનાં કેટલાંક મોજાંએ વિશ્વમાં જાવન ગેંડાના એકમાત્ર નિવાસસ્થાન એવા ઉજુંગ કુલોન નેશનલ પાર્કમાં પણ તબાહી વેરી.નેપાળે તેના એક શીંગી ગેંડાની વસ્તી વધારવામાં ભારે સફળતા હાંસલ કરી છે. પરંતુ, ગત વર્ષે એક ચોંકાવનારી હકીકત સામે આવી.
માર્ચ, 2019માં ન્યૂઝ વેબસાઇટ બઝફીડની તપાસના આધારે ચિતવન નેશનલ પાર્કની આસપાસ માનવ હક્કોના ઉલ્લંઘનના કેસો પ્રકાશમાં આવ્યા અને પાર્ક રેન્જર્સને આપવામાં આવેલી કાનૂની શક્તિ કેવી રીતે સંરક્ષિત વિસ્તારની આસપાસ રહેનારા લોકોના જીવન પર નકારાત્મક રીતે અસર પહોંચાડે છે, તે માલૂમ પડ્યું.અગાઉ જે પ્રદેશોમાં કાળા ગેંડાનો વસવાટ હતો, ત્યાં સંઘર્ષ અથવા તો ગેરકાનૂની શિકાર દ્વારા તેમની હસ્તીને નેસ્ત-નાબૂદ કરી દેવાઇ હતી, તે વિસ્તારોમાં આ પ્રજાતિનું પુનર્વસન કરાવવાના પ્રયાસોને મિશ્ર સફળતા સાંપડી છે. છ કાળા ગેંડાને મે, 2018માં દક્ષિણ આફ્રિકાથી ચાડના ઝાકોઉમા નેશનલ પાર્ક ખસેડવામાં આવ્યા હતા.
નવેમ્બર, 2018 સુધીમાં, તેમાંથી ચાર ગેંડાનાં કરુણ મોત નીપજ્યાં હતાં.જોકે, યુરોપિયન પ્રાણી સંગ્રહાલયોમાંથી પુનર્વસન માટે રવાન્ડાના અકાગેરા નેશનલ પાર્ક ખાતે ખસેડવામાં આવેલા પાંચ ઇસ્ટર્ન બ્લેક રાઇનો (ડી. બી. માઇકલ)એ ઓગસ્ટ મહિનામાં એક્લિમેટાઇઝેશન (પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો) સમયગાળો સફળતાપૂર્વક પાર કર્યો હોવાનું નોંધાયું હતું. સંરક્ષણના પ્રયાસોના કારણે 1990ના દાયકામાં કાળા ગેંડાની સંખ્યા 2,500 કરતાં પણ ઓછી હતી, તે આજે વધીને 5,000 કરતાં વધુ થઇ છે અને અનેક પડકારો આવવા છતાં, આ પ્રજાતિનું તેની અગાઉની રેન્જમાં પુનર્વસન કરાવવા માટેના પ્રયાસો સતત જારી છે.
ભારતમાં ગેંડાની સ્થિતિ:
વન્યજીવોની હિમાયત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર – ઇન્ડિયા (WWF-ઇન્ડિયા)ના જણાવ્યા પ્રમાણે, 1905માં ભારતમાં માંડ 75 ગેંડા બચ્યા હતા, તેમાંથી 2012 સુધીમાં ભારતીય ગેંડા (રાઇનોસોરસ યુનિકોર્નિસ)ની વસ્તી 2,700 કરતાં પણ વધી ગઇ હતી. 2020માં ગેંડાનો વસ્તી આંક હવે 3,600ને પાર થયો છે.WWF-ઇન્ડિયાના ડેટા અનુસાર, 2012માં 91 ટકા કરતાં વધુ ભારતીય ગેંડા એકલા અસમમાં વસતા હતા. અસમની અંદર કાઝિરંગા નેશનલ પાર્કમાં ગેંડાનો વસવાટ છે અને કેટલાક ગેંડા પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં વસે છે.
કાઝિરંગા એ અસમના 91 ટકા કરતાં વધારે ગેંડાનું નિવાસસ્થાન છે અને દેશના કુલ પૈકીના 80 ટકા કરતાં વધુ ગેંડા ત્યાં વસવાટ કરે છે – 2015માં કાઝિરંગા પાર્કના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ગેંડાની વસ્તી ગણતરી અનુસાર, પાર્કની અંદર 2,401 ગેંડા વસવાટ કરતા હતા.પાર્કમાં ગેંડાને સમાવવાની ક્ષમતા તેના પૂર્ણ સ્તરે પહોંચી ગઇ છે અને હવે, વધુ ગેંડાને ત્યાં સમાવી શકાય તેમ નથી.
આ સંકટનું નિવારણ કરવા માટે કાઝીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જેવા ક્ષમતા કરતાં વધુ ગેંડાની વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી ગેંડાનું તેમની વસ્તી વૃદ્ધિ થઇ શકે, તેવા અન્ય સુરક્ષિત પ્રદેશોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.IRV2020 હેઠળ 2008 અને 2012ની વચ્ચેના સમય દરમિયાન 18 ગેંડાને ભૂતાનના માનસ નેશનલ પાર્ક ખસેડવામાં આવ્યા હતા. ગેંડાનું પુનર્વસન કરવાના પ્રયાસો ત્યારથી યથાવત્ છે. ગેંડાની વધતી વસ્તી એક શીંગી ગેંડાના અસ્તિત્વને સુરક્ષિત કરવાના વધી રહેલા પ્રયાસોની સૂચક છે.
ભારતમાં એક શિંગી ગેંડા આ સ્થળોએ જોવા મળે છેઃ
દુધવા નેશનલ પાર્ક, ઉત્તર પ્રદેશ ઓરંગ નેશનલ પાર્ક, દર્રાંગ અને સોનિતપુર જિલ્લો, આસામકાઝિરંગા નેશનલ પાર્ક, કાંચનજુરી જિલ્લો, આસમપોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, ગુવાહાટીજલ્દપારા નેશનલ પાર્ક, પ. બંગાળગોરુમારા નેશનલ પાર્ક, પ. બંગાળ