HomeWildlife Special55 વર્ષનુંં થયું ગીર: કુદરતી સંપતિનો અમુલ્ય ખજાનો અને એશિયાટીક સિંહોનું ઘર

55 વર્ષનુંં થયું ગીર: કુદરતી સંપતિનો અમુલ્ય ખજાનો અને એશિયાટીક સિંહોનું ઘર

18 સપ્ટેમ્બર, 1965ના દિવસે ગીર જંગલના 1412.13 ચોરસ કિલોમીટરના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

19મી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ગીર તથા આજુબાજુના વિસ્તારના જંગલમાં સિંહની સંખ્યા રાજા-રજવાડાઓ દ્વારા તથા બ્રિટિશ અધીકારીઓ દ્વારા કરાતા શિકાર-ટ્રોફી હન્ટિંગને કારણે માત્ર 60 થી 100 સુધીની થઈ ગઈ હતી. સન 1900માં જૂનાગઢ રાજયના નવાબ સાહેબ રસુલખાનજી એ બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝન ને સિંહના શિકાર માટે આમંત્રણ આપેલ પરંતુ તે સમયે બોમ્બેના એક અંગ્રેજી સમાચારપત્રમાં કોઈ જાગૃત નાગરિકે લખેલ પત્ર પ્રસિદ્ઘ થયેલ. જેમાં ‘વાઇસરોય કે તોડફોડીયા?’ શીર્ષક હેઠળ પ્રસિદ્ઘ થયેલ પત્રમાં લખવામાં આવ્યું હતું કે જો આ રીતે શિકાર થતા જ રહેશે તો નજીકના ભવિષ્યમાં ધરતી પર એશિયાઇ સિહોનું અસ્તિત્વ જ નહીં રહે એવી ભીતિ પ્રદર્શિત કરવામાં આવેલ હતી.

WSON Team

જોકે લોર્ડ કર્ઝનની જાણમાં આ સમાચાર આવ્યા અને તેથી તેઓ ગીરમાં શિકારે જવાને બદલે જુનાગઢથી જ પાછા ફરી ગયા હતા. પરત ફરતી વખતે તેઓએ નવાબ સાહેબને અનુરોધ કરેલ કે હવેથી સિહોનાં શિકાર બંધ કરી, તેમનું સંરક્ષણ કરવાની જરૂર છે. માત્ર એક જાગૃત નાગરિક કે એક દૈનિક સિહના સંરક્ષણમાં કેટલું મહત્વનુ યોગદાન આપી શકે તેનું આ સચોટ ઉદાહરણ છે! આમ તો નવાબ રસુલખાનજી ના પૂર્વજ નવાબ મહબતખાનજી બીજા એ સન 1879 માં વન્ય પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મુકતા નિયમો બનાવેલ, પરંતુ જુદા જુદા કારણોસર તેનો કડકાઇથી અમલ થઈ શકયો નહોતો.

જૂનાગઢના છેલ્લા નવાબ મહબતખાનજી ત્રીજા એ સિંહ તથા બીજા વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પગલાં લીધા. ભારતની આઝાદી પછી પણ રાજય તેમજ કેન્દ્ર ની ઉત્ત્।રોતર સરકારો, વૈજ્ઞાનિકો, બિન સરકારી સંસ્થાઓ, સમાચાર માધ્યમો અને સ્થાનિક લોકોના મૂલ્યવાન પ્રદાનથી ગીરના એશિયાટીક સિંહની વસ્તી અત્યારે 700 આસપાસ પહોંચી છે અને દક્ષેણ સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિલોમીટરમાં વસી રહ્યા છે.

WSON Team

છેલ્લા બાર દાયકામાં ગીર જંગલ અને સિંહોએ ચડાવ-ઉતાર જોયા છે. 18 સપ્ટેમ્બર, 1965ના દિવસે ગીર જંગલના 1412.13 ચોરસ કિલોમીટરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. તેથી 18 સપ્ટેમ્બર એક મહત્વનો અને યાદગાર દિવસ છે. અને ગીર અભયારણ્યનો 55 મો જન્મદિવસ છે!

તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા એક રસપ્રદ સંશોધન કરવામાં આવેલ છે. અત્યાર સુધી આફ્રિકન સિંહ અને એશિયાયી સિંહ, એમ બંનેને થોડી અલગ પ્રજાતિ માનવામાં આવતી હતી. નવા સંશોધન મુજબ જાણવા મળેલ છે કે મધ્ય અને પશ્ચિમ અફ્રિકાના સિંહો અને ભારતના સિંહોમાં ઘણું સામ્ય છે. તેથી હવે ગીરના સિંહ પણ વૈજ્ઞાનિકોની ભાષામાં ‘પેન્થેરા લીઓ’ કહેવાય છે.

WSON Team

ઘણા લોકોને ખ્યાલ નહિ હોય કે ગીરમાં જુદા જુદા 13 જાતના નિવાસ્થાન – જંગલો છે. સાગ, ખાખરો, ટીમરૂ, સીસમ, ગોરડ, કરમદા, જેવા જુદા જુદા હેબિટેટસ સિંહ તથા અનેક પશુ-પક્ષીઓને સાનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે.

કોવિડ-19 તેમજ ચોમાસાને લઈને સાત મહિના પછી તારીખ 16 ઓકટોબરથી મુલાકાતીઓ માટે ગીરનું જંગલ ખુલી રહ્યું છે. ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન, દેવળિયા 1લી ઓકટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓને જણાવતા આનંદ થાય છે કે જંગલમાં 38 જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, ઝરખ, ટપકાવાળા હરણ, ચિંકારા, ચોશિંગા, સાબર, શેઢાળી, કીડીખાવ, ઘોરખોદિયું, તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, વિગેરે વસે છે.

આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, ચોટલીયો સાપમાર ગરુડ, ચોટલીયો બાજ, નવરંગ, દૂધરાજ, પીળક, વૂડપેકર, રાજ ગીધ, કલકલિયો, શીંગડીયો ઘુવડ, વિગેરે જેવા 300 જાતિના સુંદર પક્ષીઓ છે. એટલે જ તો જાણીતા પક્ષીવિદ ડોકટર સલીમ અલીએ એક વખત કહ્યું હતું કે ગીર જો સિંહનું અભયારણ્ય ન હોત તો જરૂર એક સુંદર પક્ષી અભયારણ્ય હોત.

Wson Team

આ ઉપરાંત ગીરમાં અજગર, કોબ્રા, રૂપસુંદરી, મગર, કેમેલિયોન, વિગેરે જેવા 37 જાતિના સરીસૃપ છે અને આશરે 2000 જાતના કીટકો પણ વસે છે. ત્યાં બારે માસ વહેતી સાત નદીઓ છે. જો આપને સિંહના નિવાસસ્થાનની સમૃદ્ઘિ જોવી હોય અને માણવી હોય તો આપની સાથે આવેલા ગાઈડને જરૂર જણાવશો કે આપને આ બધી જીવસૃષ્ટિ પણ જોવી છે. અત્યારે આપણે કોરોના મહામારી ના મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યા છીએ, તેથી આપનું અને આપની આસપાસના દરેક લોકોનું ધ્યાન રાખશો અને તકેદારી રૂપે સુરક્ષાના બધા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરશો.

ગીર અભ્યારણ્ય ને 55 વર્ષ પૂર્ણ થયા છે આ સમય ગાળા દરમિયાન એશિયાટિક સિંહો ની સંખ્યા 100 થી 700 થઈ ગઈ છે. વન વિભાગના પ્રયત્નો અને ગીરની ગરીમાંથી એશિયાટીક સિંહોએ ગિરને એક આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એશિયાટીક સિંહોની રંજાડ વધતી જાય છે.આ માટે ખાસ કદમ ઉઠાવવાની જરૂર છે. સાથે સાથે એશિયાટીક સિંહોના સ્વાસ્થ્ય અંગે વધુ તકેદારી રાખવાની આવશ્યકતા છે. કુદરતી સંપત્તિનો આ અમૂલ્ય ખજાનો એ આપણી પહેચાન છે. સિંહોનું રક્ષણ અને સંવર્ધન સતત કરવું જરૂરી છે. નહીં તો આ પ્રજાતિને લુપ્ત થતા વાર નહિ લાગે.

WSON Team

અંતમાં આપને ખાસ જણાવવાનું કે જંગલમાં જવા માટેની પરમિટ માત્ર એડવાન્સમાં ઓનલાઇન જ બુક કરી શકાય છે. પરમિટ બુક કરવા માટેની એક માત્ર અધિકૃત સાઈટ/લિંક નીચે જણાવેલ છે.

https://girlion.gujarat.gov.in/ પરમિટ બુકિંગ ઉપરાંત ગીર વિશેની બીજી ઘણી રસપ્રદ માહિતી પણ આ લિંક ઉપર કિલક કરવાથી મળી શકશે.

ગીર સાસણ અંગેની વધુ માહિતી અને રસપ્રદ વિગતો જાણવા માટે અમારા આર્ટીકલ અવશ્ય વાંચો

જાણો, સાસણ ગીર અભ્યારણ્યના લોકપ્રિય ગાઈડ વિષે: વિદેશી ટુરીસ્ટોની પહેલી પસંદ

સાસણ ગીર: વન્ય જીવો અને કુદરત એકબીજાના પૂરક

https://wildstreakofnature.com/gu/the-asiatic-lion-of-gir-is-the-pride-of-india/

તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન

ઇન્ડો આફ્રિકન પીપલ : ગુજરાતની ઓળખ

- Advertisment -