ગીર જંગલમાં સિંહોની વસ્તી 533 થી વધીને આશરે 600 સુધી પહોચી
સાસણ ગીર ખાતે ૩ માર્ચના રોજના રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થઇ હતી. આ પ્રસંગે કેન્દ્રીય વનપ્રધાન તથા ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારની સિંહ – સંરક્ષણ અને સંવર્ધનની નીતિ તેમજ સ્થાનિક લોકોના સહયોગથી સિંહોની સંખ્યા હાલ ૬૦૦ આસપાસ થઇ ગઇ છે. ૩ માર્ચના વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થાય છે. સાસણ ખાતે રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ ”મોટા શિકારી વન્ય જીવો ભયના ઓથાર હેઠળ” હતી. રાષ્ટ્રીય કક્ષાની આ ઉજવણીમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધન, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી તથા વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,
સરકારની સિંહ સંરક્ષણ અને સંવર્ધનની નીતિ અને સ્થાનિક લોકોના સહયોગથી હાલ સિંહોની વસ્ત્રી ૬૦૦ આસપાસ થઇ છે. અત્રે નોંધનીય છે કે છેલ્લે થયેલી સિંહોની ગણતરી બાદ સિંહોની સંખ્યા ૫૩૩ હતી. જયારે કેન્દ્રીય વન અને પર્યાવરણમંત્રીએ વડાપ્રધાનના વર્ષ ૨૦૨૨ માં નવા ભારતના સ્વપ્નને સરકાર કરવા દેશનાં નાગરિકોને ગ્રીન સૈનિક બનવા આહવાન કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનનું સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાણ કરી લુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન માટે જીઓલોજી સર્વેલન્સ ઓફ ઇન્ડીયાની સહભાગીતા વધારવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના વન મંત્રીએ ગીર અભાયરણ્યના વિકાસ માટે ૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં કયાં – કયાં કામ થશે એ બાબતે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. સેમિનાર પૂર્વે કેન્દ્રીયપ્રધાને તથા તેના પત્નીએ ગીર સફારી પાર્કમાં સિંહ દર્શન કર્યા હતા. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના વન વિભાગના અધિકારીઓ, જૂનાગઢ કલેકટર, આઇ.જી., એસ.પી., તેમજ સાંસદ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. દુર્લભ પ્રાણી સંરક્ષણ કાર્યક્રમ તહેત રાજ્યમાં ૧૭,૩૩૦ ચો. કિ.મી. વિસ્તારમાં ૪ રાષ્ટ્રિય ઊદ્યાનો-ર૩ અભયારણ્યો-૧ કન્ઝર્વેશન રિઝર્વ ગુજરાતમાં છે. જેમાં પ૧૩ પ્રજાતિના પક્ષીઓ-૧૧૪ જાતિના સરીસૃપો-૭ હજારથી વધુ કિટક અને મૃદુકાય જીવોના જતન-સંવર્ધન-સંરક્ષણ માટે વન વિભાગ સતત કર્તવ્યરત છે.