LATEST ARTICLES

કાળિયાર ઉદ્યાનમાં ઝરખની સંખ્યા વધી, જંગલના સફાઈ કામદાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા

“મૃત પ્રાણીઓની સફાઈથી પર્યાવરણનું સંતુલન જાળવનાર ઝરખની મહત્વપૂર્ણ ભૂમિકા”

WSON Team

ભાવનગર જિલ્લાના છેવાડે અધેલાઈ નજીક આવેલું રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન રજવાડા સમયથી અસ્તિત્વમાં રહેલું ઐતિહાસિક જંગલ છે. આ જંગલમાં કાળિયારની સાથે વરુ, શિયાળ જેવા શિકારી પ્રાણીઓ વસે છે. વર્ષ 2005 બાદ અહીં કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ‘ઝરખ’ (હાયના)ની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઝરખ મૃત પ્રાણીઓ ખાઈને જંગલને સ્વચ્છ રાખે છે, તેથી તેને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. છેલ્લા 20 વર્ષમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઝરખની સંખ્યામાં સતત વધારો થયો છે, જેના કારણે જંગલનું પર્યાવરણીય સંતુલન વધુ મજબૂત બન્યું છે.

વન વિભાગ દ્વારા ઝરખને લઈને ખાસ તકેદારી રાખવામાં આવે છે. સામાન્ય રીતે ઝરખ માનવોથી દૂર રહે છે અને જો અચાનક માનવી સામે આવી જાય તો પણ તે હુમલાખોર નથી બનતું, પરંતુ સલામતી માટે સાવચેતી જરૂરી ગણાય છે.

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઝરખની વસ્તી

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના એસી.એફ. નિલેશ જોષી અનુસાર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભાલ વિસ્તારને મળીને અંદાજે 35 જેટલા ઝરખ જોવા મળે છે. જેમાંથી હાલમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 8થી 10 જેટલા ઝરખ છે અને તેમાં કેટલાક બચ્ચાઓ પણ સામેલ છે.

સફારી માટે આવનાર પ્રવાસીઓને સવાર અને સાંજના સમયે ઝરખ જોવા મળતા હોવાથી હવે તે ટુરિસ્ટ માટે પણ ખાસ આકર્ષણ બની રહ્યા છે. ઝરખની વધતી હાજરી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની જૈવ વૈવિધ્યતાને ઉજાગર કરે છે.

રજવાડા સમયનું જંગલ, આજે પણ જીવંત પર્યાવરણ

WSON Team

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. અહીં કાળિયારની સાથે વરુ, શિયાળ જેવા શિકારી પ્રાણીઓ પણ વસે છે. આ જંગલની ખાસિયત એ છે કે અહીં પ્રાણી અને પર્યાવરણ વચ્ચેનું કુદરતી સંતુલન આજે પણ જાળવાયેલું છે. આ સંતુલનમાં ઝરખ મહત્વની કડી તરીકે ઉભરી આવ્યું છે.

2005થી શરૂ થઈ ઝરખની હાજરી

વન વિભાગના જણાવ્યા અનુસાર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઝરખની હાજરી વર્ષ 2005 પછી નોંધાઈ હતી. તે સમયગાળામાં ઝરખની સંખ્યા ઓછી હતી, પરંતુ અનુકૂળ પર્યાવરણ, પૂરતું ખોરાક અને વન વિભાગના સંરક્ષણના કારણે છેલ્લા 20 વર્ષમાં તેની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઝરખ કેમ કહેવાય છે “કુદરતનો સફાઈ કામદાર”?

WSON Team

ઝરખ સામાન્ય રીતે પોતે શિકાર કરતો નથી. તે મુખ્યત્વે વરુ દ્વારા કરવામાં આવેલા શિકારના અવશેષો, મૃત પ્રાણીઓના હાડકાં અને બાકી રહેલા ભાગો ખાઈને જંગલને સ્વચ્છ રાખે છે.

આ પ્રક્રિયા દ્વારા:

  • જંગલમાં ગંદકી અને દુર્ગંધ ફેલાતી અટકે છે
  • રોગચાળો ફેલાવાનો ખતરો ઘટે છે
  • પર્યાવરણનું કુદરતી સંતુલન જળવાય છે

આ કારણે ઝરખને “Nature’s Cleaner” એટલે કે કુદરતનો સફાઈ કામદાર કહેવાય છે.

ઝરખની હાલની વસ્તી કેટલી?

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના એસી.એફ. નિલેશ જોષી અનુસાર:

  • કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભાલ વિસ્તાર મળીને અંદાજે 35 જેટલા ઝરખ છે
  • તેમાંમાંથી હાલ 8થી 10 ઝરખ કાળિયાર ઉદ્યાનમાં જોવા મળે છે
  • ઝરખ બચ્ચાઓ સાથે જોવા મળતા હોવાથી વસ્તી સ્વસ્થ હોવાનો સંકેત મળે છે

ગયા વર્ષે ઝરખે બે બચ્ચાઓ આપ્યા હતા અને આ વર્ષે પણ વધુ બે બચ્ચાઓ જન્મ્યા છે.

વન વિભાગનું સતત મોનિટરિંગ

ઝરખને લઈને વન વિભાગ ખાસ સતર્ક છે.

  • ઝરખના રહેઠાણ (ડેનો) પર સતત નજર
  • GPS અને ફીલ્ડ સ્ટાફ દ્વારા મોનિટરિંગ
  • માનવ-પ્રાણી સંઘર્ષ ન બને તે માટે આગોતરી કાર્યવાહી

ઝરખ પોતાના ડેનો બદલતો રહે છે, જેના કારણે વન વિભાગ તેની ગતિવિધિઓ પર નિયમિત નજર રાખે છે.

મનુષ્ય સામે આવે તો ઝરખ શું કરે?

WSON Team

ઝરખ શિકારી પ્રાણી હોવા છતાં તે માનવ માટે જોખમી નથી. વન અધિકારીઓ મુજબ:

  • ઝરખ માનવોથી દૂર રહેવાનું પસંદ કરે છે
  • અચાનક સામસામે આવી જાય તો હુમલો કરતો નથી
  • સામાન્ય રીતે ભાગી જવું તેની સ્વભાવિક પ્રતિક્રિયા છે

આથી ટુરિસ્ટ માટે પણ ઝરખ ભયજનક નથી, પરંતુ અંતર જાળવવું જરૂરી છે.

ટુરિસ્ટ માટે વધતું આકર્ષણ

હાલમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સફારી માટે આવનાર પ્રવાસીઓને સવાર અને સાંજના સમયે ઝરખ જોવા મળે છે.
કાળિયાર સાથે ઝરખ જોવા મળતા:

  • ટુરિસ્ટનો અનુભવ વધુ રોમાંચક બને છે
  • ઉદ્યાનની લોકપ્રિયતા વધી છે
  • વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે નવી તક ઊભી થઈ છે

પર્યાવરણ માટે શુભ સંકેત

ઝરખ જેવી પ્રજાતિઓનું ટકી રહેવું અને વધવું એ દર્શાવે છે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનું પર્યાવરણ સ્વસ્થ છે. કુદરતના દરેક જીવનું પોતાનું મહત્વ હોય છે અને ઝરખ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ઝરખ (Hyena) વિશે સંપૂર્ણ માહિતી

WSON Team

ઝરખ શું છે?

ઝરખ (Hyena) એક માંસાહારી સસ્તન પ્રાણી છે, જે મુખ્યત્વે એશિયા અને આફ્રિકાના જંગલ, ઘાસવાળા મેદાનો અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે સ્ટ્રાઇપ્ડ હાયના (Striped Hyena) જોવા મળે છે.

વૈજ્ઞાનિક ઓળખ

  • વિજ્ઞાન નામ: Hyaena hyaena
  • કુટુંબ: Hyaenidae
  • સ્થાનિક નામ: ઝરખ
  • અંગ્રેજી નામ: Striped Hyena

ભારતમાં મળતો ઝરખ આફ્રિકન સ્પોટેડ હાયનાથી અલગ અને ઓછો આક્રમક હોય છે.

શારીરિક લક્ષણો

  • વજન: લગભગ 30 થી 40 કિલો
  • લંબાઈ: લગભગ 1 થી 1.2 મીટર
  • રંગ: ભૂરો-ભૂરો, શરીર પર કાળી પટ્ટીઓ
  • આગળના પગ પાછળના પગ કરતાં થોડા લાંબા
  • જડબાં ખૂબ મજબૂત, હાડકાં તોડી શકે તેવી શક્તિ

ઝરખની ચાલ થોડી અજીબ લાગે છે, પરંતુ તે લાંબા અંતર સુધી ચાલી શકે છે.

ખોરાકની આદતો

WSON Team

ઝરખ મુખ્યત્વે:

  • મૃત પ્રાણીઓના અવશેષો
  • હાડકાં
  • વરુ અથવા અન્ય શિકારી દ્વારા કરાયેલા શિકારના બચેલા ભાગો
  • ક્યારેક નાના પ્રાણીઓ અથવા જીવાતો
  • ઝરખ ભાગ્યે જ પોતે શિકાર કરે છે, એટલે તેને Scavenger (સફાઈ કરનાર પ્રાણી) કહેવાય છે.

કુદરતમાં ઝરખનું મહત્વ

ઝરખ પર્યાવરણ માટે અત્યંત જરૂરી છે કારણ કે:

  • જંગલમાં મૃતદેહો સાફ કરે છે
  • રોગચાળો ફેલાતો અટકાવે છે
  • પર્યાવરણનું સંતુલન જાળવે છે
  • અન્ય પ્રાણીઓ માટે ખોરાકની સ્પર્ધા ઘટાડે છે

આ કારણે ઝરખને “Nature’s Cleaner” કહેવામાં આવે છે.

રહેઠાણ (Den)

WSON Team
  • ઝરખ સામાન્ય રીતે:
    • પથ્થરાળ વિસ્તાર
    • ટેકરીઓ
    • જૂના બિલ્લા
    • ઝાડની મૂળ પાસે રહે છે.
  • તે પોતાનું ડેનો વારંવાર બદલતો રહે છે.

સ્વભાવ અને વર્તન

  • ઝરખ નિશાચર (Nocturnal) પ્રાણી છે
  • દિવસ દરમિયાન છુપાઈ રહે છે
  • રાત્રે ખોરાક શોધવા બહાર આવે છે
  • એકલવાયું જીવન પસંદ કરે છે

પ્રજનન અને બચ્ચાં

  • એક વખતમાં સામાન્ય રીતે 2 થી 4 બચ્ચાં
  • બચ્ચાં ડેનોમાં સુરક્ષિત રહે છે
  • માતા ઝરખ બચ્ચાંને લાંબા સમય સુધી સંભાળે છે

ભારતમાં ઝરખની પ્રજનન દર સારો માનવામાં આવે છે.

માનવ સાથેનો સંબંધ

  • ઝરખ માનવોથી દૂર રહે છે
  • માનવ પર હુમલાની ઘટનાઓ ખૂબ દુર્લભ
  • અચાનક સામસામે આવી જાય તો ભાગી જવાનું પસંદ કરે છે

એટલે ઝરખ માનવ માટે સામાન્ય રીતે જોખમી નથી.

ભારતમાં ઝરખ ક્યાં મળે છે?

WSON Team
  • ગુજરાત
  • રાજસ્થાન
  • મધ્યપ્રદેશ
  • મહારાષ્ટ્ર
  • કર્ણાટક

ગુજરાતમાં ખાસ કરીને:

  • ગીર વિસ્તાર
  • કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
  • ભાલ વિસ્તાર

સંરક્ષણ સ્થિતિ

  • IUCN Status: Near Threatened
  • ભારતમાં સુરક્ષિત પ્રાણી (Wildlife Protection Act)

ઝરખની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ:

  • જંગલ વિસ્તાર ઘટવો
  • માનવ દખલ
  • ખોટી માન્યતાઓ

ઝરખ કેમ જરૂરી છે?

ઝરખ વગર:

  • મૃતદેહો જંગલમાં સડી જાય
  • રોગચાળો વધે
  • પર્યાવરણ અસંતુલિત બને

ઝરખ કુદરતનું અવગણાયેલું પરંતુ અત્યંત જરૂરી પ્રાણી છે, જે શાંતિથી જંગલને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે.

ગુજરાતમાં 25 વર્ષ બાદ વાઘની વાપસી: NTCAએ રતનમહાલ અભયારણ્યમાં હાજરીને કરી પુષ્ટિ

NTCAના પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલમાં વાઘની હાજરીની પુષ્ટિ, વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

ગીરના એશિયાટિક સિંહ માટે વિશ્વભરમાં ઓળખાતા ગુજરાત રાજ્યના વન્યજીવન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘની હાજરીને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના પ્રાથમિક રિપોર્ટમાં પુષ્ટિ મળી છે. આ સાથે જ, દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

NTCAના અભ્યાસ બાદ ગુજરાતમાં વાઘની પુષ્ટિ

ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા સામે આવ્યા બાદ NTCAની ટીમે રાજ્યની મુલાકાત લઈને અભ્યાસ કર્યો હતો. NTCA દ્વારા સરકારને સોંપાયેલા પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક વાઘ સ્થાયી થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જ, ગુજરાતમાં વાઘ માટે યોગ્ય ઇકો સિસ્ટમ વિકસાવવા સરકારને ભલામણ પણ કરવામાં આવી છે.

વનમંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “હજી સુધી NTCA તરફથી રાજ્ય સરકારને સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ NTCAના પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ થઈ છે. દેશની વાઘ વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થવો દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.”

કેમેરા ટ્રેપમાં કેદ થયો વાઘ

ઉલ્લેખનીય છે કે, તા. 22 ફેબ્રુઆરી 2025ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં પ્રથમ વખત વાઘની તસવીર કેદ થઈ હતી. ત્યારબાદ તા. 23 ફેબ્રુઆરી 2025ના રોજ પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનો દીપડા કરતાં મોટા હોવાથી કેમેરા ટ્રેપના ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રિના અંદાજે 2:40 વાગ્યે વાઘની હાજરી સ્પષ્ટ થઈ હતી.

25 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની વાપસી

એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં વાઘોની નોંધપાત્ર વસ્તી હતી. પરંતુ સમય જતાં વાઘ રાજ્યમાંથી લુપ્ત થઈ ગયો. વર્ષ 1989માં છેલ્લી વખત વાઘની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં ફક્ત પગના નિશાન મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 1992માં ગુજરાતને “ટાઈગર સ્ટેટ”નો દરજ્જો ગુમાવવો પડ્યો હતો. વર્ષ 2019માં એક વાઘ દેખાતા આશા જાગી હતી, પરંતુ તે માત્ર 15 દિવસ જ જીવિત રહ્યો હતો. હવે લગભગ 25 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં વાઘ સ્થાયી થયો હોવાની પુષ્ટિ મળતા વન્યજીવન પ્રેમીઓમાં આનંદની લાગણી છે.

બે વાઘની ચર્ચા, વન વિભાગે કરી સ્પષ્ટતા

ગત સમયમાં ગુજરાતમાં એક નહીં પરંતુ બે વાઘ સ્થાયી થયાની ચર્ચાઓ પણ જોર પકડી હતી. જોકે વન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે રતનમહાલ વિસ્તારમાં હાલ માત્ર એક જ વાઘ સ્થાયી થયો છે.

વાઘ માટે ઇકો સિસ્ટમ મજબૂત કરવા પ્રયાસ

NTCAના રિપોર્ટ બાદ વન વિભાગ દ્વારા રતનમહાલ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

  • પાણીની પૂરતી વ્યવસ્થા
  • સુરક્ષા અને આગ નિવારણ
  • શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા
  • કેમેરા ટ્રેપની સંખ્યા વધારવી

જંગલી ડુક્કર, નીલગાય અને વાનરો ઉપરાંત ચોમાસા દરમિયાન સાબર અને ચિત્તલ જેવા શિકાર પ્રાણીઓ પણ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.

માદા વાઘ લાવવાના પ્રયાસ

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વાઘની વસ્તીમાં વધારો કરવા માટે માદા વાઘ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ, રતનમહાલને ભવિષ્યમાં ટાઈગર રિઝર્વ તરીકે વિકસાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વાઘ સંરક્ષણ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.

ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં ઐતિહાસિક ક્ષણ

NTCA દ્વારા ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ થવી એ રાજ્યના વન્યજીવન ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે. હવે આગામી સમયમાં સરકાર અને NTCA દ્વારા કયા નિર્ણયો લેવાય છે, તે પર સમગ્ર રાજ્યની નજર ટકી છે.

વનરાજનો વિજય ઘોષ: 16મી સિંહ ગણતરીમાં 217નો વધારો, ગુજરાતમાં હવે 891 સિંહોની રાજાશાહી!

ગીરમાં સિંહની સંખ્યાનો અંદાજ મુખ્યપ્રધાને જાહેર કર્યો છે. પાંચ વર્ષમાં 217નો વધારો થઈને આ વખતે 891 જેટલા સિંહ ગીર અને સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.

16મી સિંહ ગણતરી વિધિવત રીતે પૂર્ણ થતા આજે ગીરના સિંહોની સંખ્યા રાજ્યના મુખ્યપ્રધાને જાહેર કરી છે, જે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 217 જેટલા સિંહના વધારા સાથે આ વખતે થયેલી અંદાજિત ગણતરીમાં સિંહની સંખ્યા 891 સુધી પહોંચી છે. મહત્વની બાબત એ છે કે, પ્રથમ વખત પોરબંદર અને દ્વારકાની સાથે રાજકોટમાં સિંહનું અસ્તિત્વ અને તેની સંખ્યા નોંધાઈ છે જે ગીરની સાથે સૌરાષ્ટ્રમાં સિંહના નવા નિવાસ્થાન તરીકે ઉજળી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

સિંહની અંદાજિત સંખ્યા થઈ જાહેર: 

16મી સિંહ વસ્તી ગણતરી 10મી મેથી લઈને 13મી મે સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીને સંકલિત કરીને આજે રાજ્યના મુખ્યપ્રધાને ગાંધીનગર ખાતેથી સિંહોની સંખ્યાનો સંભવિત આંકડો જાહેર કર્યો છે. જે વર્ષ 2020માં થયેલી ગણતરી કરતા 217ના વધારા સાથે પાંચ વર્ષ પછી ગીરમાં 891 જેટલા સંભવિત સિંહની સંખ્યા નોંધાઈ છે.છેલ્લા બે ત્રણ દશકમાં સરેરાશ સિહોની સંખ્યા અને તેના વિસ્તારમાં ખૂબ જ નોંધપાત્ર અને હકારાત્મક વધારો થઈ રહ્યો છે જે ગીરમાં સિંહના સંવર્ધનની સાથે ‘પ્રોજેક્ટ લાયન’ માટે પણ એક નવી આશાનું કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

2025 માં જાહેર થયેલા આંકડાઓ: 

WSON Team

વર્ષ 2025માં 16મી સિંહ ગણતરી અંતર્ગત સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં ગણતરી કરવામાં આવી હતી. જે મુજબ જાહેર થયેલા આંકડાઓ મુજબ વર્ષ 2025માં સિંહના નર, માદા, પાઠડા (પાઠડાનો મતલબ બચ્ચાથી મોટા અને પુખ્ત સિંહોથી નાના) અને બચ્ચા મળીને કુલ 891 સિંહ નોંધાયા છે, જ્યારે તેને 2020માં કરવામાં આવેલા પુનઃ અવલોકન સાથે સરખાવીએ તો 2020માં કુલ 674 જેટલા સિંહ નોંધાયા હતા. આમ, પાંચ વર્ષમાં 217 નો વધારો થઈને આ વખતે 891 જેટલા સિંહ ગીર અને સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.

પ્રથમ વખત પોરબંદર અને દ્વારકાની સાથે રાજકોટમાં સિંહ: 

16મી સિંહ ગણતરીમાં સૌથી આશાસ્પદ અને હકારાત્મક બાબત સામે આવી છે તે અંતર્ગત સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા અને રાજકોટમાં સિંહોની સંખ્યા નોંધાઈ છે. અગાઉના વર્ષોમાં સિંહ ગણતરી આ વિસ્તારમાં કરવામાં આવતી હતી, પરંતુ અહીં સિંહોની સંખ્યા નોંધાઈ ન હતી. પરંતુ આ વખતે ખાસ કરીને બરડા અભયારણ્યમાં સિહોની સંખ્યા સામે આવી છે. જેને લઈને આ વિસ્તારમાં વધુ એક સિંહ સંવર્ધનની શક્યતાઓ ઊભી થઈ છે, જેમાં બરડા ડુંગરનો વિસ્તાર સિંહોને અનુકૂળ પર્યાવરણ ધરાવે છે. જેથી આ વિસ્તારમાં સિંહની સંખ્યા સિંહોના સ્થળાંતરણ અને તેના સંવર્ધનને લઈને પણ ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં સિંહની સંખ્યા અને તેના આંકડા: 

WSON Team

16મી સિંહ ગણતરી 11 જિલ્લા અને 58 તાલુકામાં કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં સિંહોની સંખ્યા નોંધાઈ છે. જે મુજબ સૌથી વધારે સિંહો અમરેલી રેન્જમાં 339, બીજા ક્રમે સોમનાથ રેન્જમાં 224, ત્રીજા ક્રમે જૂનાગઢ રેન્જમાં 191, ચોથા ક્રમે ભાવનગર રેન્જમાં 116, પાંચમાં ક્રમે પોરબંદર રેન્જમાં 16, છઠ્ઠા ક્રમે રાજકોટ રેન્જમાં 6 અને સાતમાં ક્રમે દ્વારકા રેન્જમાં 1 સિંહ નોંધાયા છે.

નર, માદા, પાઠડા અને બચ્ચાની સંખ્યા: 

16મી સિંહ ગણતરી અંતર્ગત અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટ રેન્જમાં નર, માદા, પાઠડા અને બચ્ચાની સાથે કુલ સિંહ નોંધાયા છે. જેમાં પોરબંદર અને રાજકોટ રેન્જમાં પ્રથમ વખત સિંહ નોંધાયા છે જે પૈકી આ રેન્જમાં એક પણ નર સિંહ જોવા મળતો નથી. આવી જ રીતે પ્રથમ વખત દ્વારકામાં સિંહની સંખ્યા નોંધાઈ છે જેમાં એકમાત્ર નરસિંહ ગણતરીમાં જોવા મળ્યો આ સિવાય માદા પાઠડા બચ્ચા કે બચ્ચાવાળી સિંહણ દ્વારકા રેંન્જમાં જોવા મળી નથી.

ચિત્તા નિર્વાએ કુનો નેશનલ પાર્કમાં પાંચ બચ્ચાંને જન્મ આપ્યો

પ્રોજેક્ટ ચિત્તાની સફળતા: કુનોમાં ચીતાની વસ્તી 29 સુધી પહોંચી

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા કુનો નેશનલ પાર્કમાં ચીતા નિર્વાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો છે, એવી જાહેરાત મુખ્યમંત્રી મોહન યાદવે રવિવાર, 27 એપ્રિલ, 2025ના રોજ કરી. આ નવા બચ્ચાં સાથે, કુનો પાર્કમાં ચીતા અને તેમના બચ્ચાંની સંખ્યા 29 સુધી પહોંચી છે, જેમાં 14 ભારતમાં જન્મેલા બચ્ચાંનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ ભારતના ચીતા પુનઃસ્થાપન કાર્યક્રમની સફળતાનું પ્રતીક છે, જે દેશમાં સાત દાયકા પહેલાં લુપ્ત થયેલી આ પ્રજાતિને પુનર્જન્મ આપવા માટે કાર્યરત છે. હવે દેશભરમાં ચીતાની કુલ વસ્તી 31 છે.

5 વર્ષની નિર્વા, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી હતી, તેના બચ્ચાંનો જન્મ પ્રોજેક્ટ ચીતાની સફળતાને રેખાંકિત કરે છે. આ કાર્યક્રમની શરૂઆત સપ્ટેમ્બર 2022માં આઠ નામિબિયન ચીતાઓ (પાંચ માદા, ત્રણ નર)ને કુનોમાં છોડવાથી થઈ હતી, જે વિશ્વનું પ્રથમ આંતરખંડીય ચીતા સ્થળાંતર હતું. ફેબ્રુઆરી 2023માં દક્ષિણ આફ્રિકાથી 12 વધુ ચીતાઓ લાવવામાં આવ્યા. નિર્વાના બચ્ચાં પહેલાં, કુનોમાં 24 ચીતાઓ હતા, પરંતુ 20 એપ્રિલ, 2025ના રોજ બે ચીતા, પ્રભાષ અને પવક, ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા.

મુખ્યમંત્રી યાદવે X પર પોસ્ટ કરીને આનંદ વ્યક્ત કર્યો: “કુનો નેશનલ પાર્કમાં ચીતાની વસ્તી સતત વધી રહી છે, જે ખૂબ આનંદની વાત છે. તાજેતરમાં 5 વર્ષની નિર્વાએ 5 બચ્ચાંને જન્મ આપ્યો છે. આ નાના બચ્ચાં પ્રોજેક્ટ ચીતાની સફળતા અને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનું પ્રતીક છે.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વન્યજીવ સંરક્ષણ માટે બનાવેલા અનુકૂળ વાતાવરણની પ્રશંસા કરી અને કુનો ટીમ, વન્યજીવ નિષ્ણાતો અને સંરક્ષણ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા.

WSON Team

ચીતાની વધતી વસ્તી માત્ર સંરક્ષણની જીત નથી, પરંતુ મધ્ય પ્રદેશમાં ઇકો-ટૂરિઝમ માટે પણ વરદાન છે. કુનોના ખજૂરી અને અહેરા જેવા પર્યટન ક્ષેત્રોમાં ચીતાની હાજરીથી પ્રવાસીઓ આકર્ષાય છે, જે સ્થાનિક અર્થતંત્રને ઉત્તેજન આપે છે અને રોજગારીની તકો ઊભી કરે છે. રાજ્ય સરકાર કુનો અને ગાંધી સાગર અભયારણ્યને જોડતો 17,000 ચો.કિ.મી.નો ચીતા કોરિડોર વિકસાવવાની યોજના ધરાવે છે, જેથી ચીતાઓને ફેલાવા માટે પૂરતી જગ્યા મળે.

20 એપ્રિલ, 2025ના રોજ પ્રભાષ અને પવકને નીમચ અને મંદસૌર જિલ્લાઓમાં આવેલા ગાંધી સાગર અભયારણ્યમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા, જે આગામી 25 વર્ષમાં કુનો-ગાંધી સાગર લેન્ડસ્કેપમાં 60-70 ચીતાની મેટાપોપ્યુલેશન સ્થાપવાની દીર્ઘકાલીન યોજનાનો ભાગ છે. ગાંધી સાગરમાં શિકારની ઉપલબ્ધતા અને દીપડાની હાજરી જેવા પડકારો હોવા છતાં, ચિતલ હરણની વસ્તી વધારવાના પ્રયાસો ચાલુ છે.

પ્રોજેક્ટ ચીતા ભારતમાં ચીતાના લુપ્ત થવાને ઉલટાવવાનો પ્રયાસ છે, જે આવાસના નુકસાન અને શિકારને કારણે થયું હતું. 2009માં વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ થયેલી ચર્ચાઓથી આ કાર્યક્રમે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેમાં નિર્વાના બચ્ચાં પહેલાં ભારતમાં 14 બચ્ચાંનો જન્મ સામેલ છે. દક્ષિણ આફ્રિકન અને નામિબિયન ચીતાની વંશાવલીનું મિશ્રણ જૈવિક વિવિધતા વધારે છે, જે પ્રજાતિના લાંબા ગાળાના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે.

નિર્વાના પાંચ બચ્ચાં કુનોની મોનિટરિંગ ટીમ, પશુચિકિત્સકો અને ચીતા મિત્રો (સ્થાનિક વન્યજીવ સ્વયંસેવકો)ના અથાક પ્રયાસોનું પરિણામ છે. જેમ જેમ કુનો નેશનલ પાર્ક “નાના ચીતાઓના હાસ્ય”થી ગુંજે છે, તેમ આ પ્રોજેક્ટ ગુજરાતના બન્ની ગ્રાસલેન્ડ્સમાં ચીતા રજૂ કરવા અને ગાંધી સાગરને બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવવાની યોજનાઓ સાથે આગળ વધી રહ્યો છે. આ સિદ્ધિ મધ્ય પ્રદેશને “ચીતાઓની ભૂમિ” તરીકે સ્થાપિત કરે છે, જે પ્રવાસીઓ અને સંરક્ષણવાદીઓને આ ઐતિહાસિક પુનરાગમનના સાક્ષી બનવા આમંત્રણ આપે છે.

ગુજરાતમાં 16મી એશિયાઈ સિંહની વસ્તી ગણતરી: 10 થી 13 મે વચ્ચે બે તબક્કામાં હાથ ધરાશે અભિયાન

11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 3,000થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકોની ભાગીદારી

ગુજરાતની ધરતી પર વિશ્વમાં વિલક્ષણ ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો મહાભિનંદન તહેવાર ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. 10 થી 13 મે, 2025 વચ્ચે ગુજરાત વનવિભાગ દ્વારા 16મી સિંહ વસ્તી ગણતરી યોજવામાં આવી રહી છે, જેમાં રાજ્યના 11 જિલ્લામાં ફેલાયેલા 35 હજાર ચો.કિમી વિસ્તારમાં સિંહોની હાજરીને નોંધવામાં આવશે. આ અભિયાન માત્ર એક વસ્તી ગણતરી નહીં, પરંતુ ગુજરાતના ગૌરવ અને પરંપરા સાથે જોડાયેલું વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ અને લોકસહભાગી પ્રયત્ન છે.

સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્યથી લઈને નવિન વિકસાતી બરડા જંગલ સુધી, રાજ્યભરના અનેક વિસ્તારોમાં પ્રસરેેલા આ અભિયાન માટે ટ્રેઈન્ડ સ્ટાફ, 3 હજારથી વધુ સ્વયંસેવકો, અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ જ સંવેદનશીલ અને ચોકસાઈભર્યુ કામગીરી હાથ ધરવામાં આવશે. વિજ્ઞાન અને પરંપરાનું આ સંયોજન એ સાબિત કરે છે કે ગુજરાત માત્ર સાવજનું નિવાસ સ્થાન નથી, પણ વિશ્વભરમાં એશિયાઈ સિંહોના સંરક્ષણનું માર્ગદર્શક કેન્દ્ર છે.

રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-2025 સંભવિત તા.10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.10 થી 11 અને આખરી વસ્તી અંદાજ તા.12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

સિંહ ગણતરીમાં વપરાતી આધુનિક ટેક્નોલોજી:

WSON Team
  • હાઈ રીઝોલ્યુશન કેમેરા અને કેમેરા ટ્રેપ્સ
  • રેડિયો કોલર સાથે સિંહોની હિલચાલનું જીવંત અવલોકન
  • e-GujForest એપ્લિકેશન: રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી માટે
  • GIS સોફ્ટવેર: સિંહોની હિલચાલ અને રહેઠાણ પર વિશ્લેષણ
  • વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતોની થશે નોંધ
  • રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાનો કુલ 35 હજાર ચો.કિમી.વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

આ તમામ ટેક્નોલોજી મિળીને વસ્તી ગણતરીને વધુ ચોકસાઇ અને દૃશ્ય આધારે મજબૂત બનાવે છે.

રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી

WSON Team

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.

ઈતિહાસ અને વંશાવળી: સિંહ ભારત સુધી કેવી રીતે પહોંચ્યો?

WSON team

હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ ૫૫ હજાર અને 1 લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.

નિષણતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. 6 હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના 30 લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના 600 વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.

ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.

1936થી આજ સુધી: સંખ્યામાં સતત વધારો

ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી થઈ હતી. દર પાંચ વર્ષે આ કાર્ય નિયમિત થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાના આંકડા નીચે મુજબ છે: આ આંકડાઓ રાજ્યના સિંહ સંરક્ષણના સફળ મોડેલને દર્શાવે છે. આ આંકડાઓ રાજય સરકાર જાહેર કરેલ છે.

વર્ષનોંધાયેલ સંખ્યા
1995304
2001327
2005359
2010411
2015523
2020674

ટેક્નોલોજીથી સજ્જ ગણતરી

આ વર્ષે ગણતરી વધુ આધુનિક અને ટેક્નોલોજીકલ સાધનોના સહારે થશે. તેમાં નીચેના સાધનોનો સમાવેશ થશે:

  • હાઈ રીઝોલ્યુશન કેમેરા અને કેમેરા ટ્રેપ્સ
  • રેડિયો કોલરથી સિંહોની સ્થિતિની માહિતી
  • e-GujForest એપ્લિકેશનથી લાઈવ ડેટા એન્ટ્રી
  • GIS સોફ્ટવેર દ્વારા સિંહોની હિલચાલ અને વિતરણનું વિશ્લેષણ

ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ

WSON Team

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.

બરડા અભયારણ્ય: હવે નવુ આશ્રયસ્થાન

WSON Team

“એક જ જગ્યાએ ગઠિત વસ્તી”ની પરિસ્થિતિ સામે રાજ્ય સરકારે બરડા અભયારણ્યને વિકલ્પ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે, જ્યાં સંરક્ષણ સાથે વિતરણ પણ સુનિશ્ચિત થાય.

લોકભાગીદીરી અને ગ્રામીણ સંરક્ષણ મોડેલ

ઈકો-ડેવલપમેન્ટ કમિટીઓ

વન્ય પ્રાણી મિત્રો

શૈક્ષણિક કેમ્પો

સ્થાનિક સહભાગી મેનપાવર આ બધાના સહકારથી રાજ્ય સાવજ માટે વિશ્વમાં રોલ મોડલ બની રહ્યું છે.

“Make in India”ના લોગો સુધીના સફરનો ગૌરવ: એશિયાઈ સિંહનું પ્રતીક આજે મેક ઇન ઇન્ડિયા લોગો, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ સુધી પહોંચ્યું છે. વિશ્વના એકમાત્ર ગીર અભયારણ્યમાં રહેતા આ સિંહો આજે એશિયા માટે પણ એક ગૌરવ બનેલા છે.

એશિયાઈ સાવજની ગણતરી 2025 માત્ર આંકડાની રમત નહીં, પરંતુ ગુજરાતના જંગલોના સંરક્ષણનું સચોટ દસ્તાવેજ છે. ટેકનોલોજી, ટીમ વર્ક અને લોકભાગીદારીના સમન્વયથી ગુજરાત ફરી એકવાર વિશ્વ સમક્ષ સાબિત કરશે કે “સિંહોનું વાસ્તવિક ઘર ગીર છે.” 2025ની આ વસ્તી ગણતરી માત્ર સંખ્યા જાણવાનો સાધન નથી, પણ એ ગુજરાતના કુદરતી વારસાની રક્ષા માટેની સતત જાગૃતિ અને પ્રયત્નોનું દર્પણ છે. વન વિભાગની કામગીરી, ટેક્નોલોજી અને લોકસહયોગના સહારે એશિયાઈ સિંહોની સંખ્યા સતત વધતી રહી છે – અને તે એશિયાની આ શાનને વધુ સુસંગત ભવિષ્ય તરફ લઈ જાય છે.