HomeWildlife Specialજાણો, ગુજરાતના આ અભ્યારણ્ય વિશે જયાં 155 જાતની વનસ્પતિ અને 230 પ્રકારના...

જાણો, ગુજરાતના આ અભ્યારણ્ય વિશે જયાં 155 જાતની વનસ્પતિ અને 230 પ્રકારના પક્ષીઓનો વસવાટ

બદલાતા સમય અને વિશ્વના દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકાર દ્વારા આજથી 40 વર્ષ પહેલા તા. 29 ઓગષ્ટ 1980ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ 1972 કલમ 33/B હેઠળ અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

WSON Team

અભ્યારણ્ય જાહેર કર્યા અગાઉ આ વિસ્તાર “મોતીસરી વીડી” તરીકે ઓળખાતો હતો. તેના વહીવટી સંચાલનનો હક્ક રાજાશાહી વખતમાં જસદણના રાજ્ય પાસે હતો. 1973માં સરકારે ખાનગી જંગલોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી આ વિસ્તાર વન વિભાગને સોંપવામાં આવ્યો.

વર્ષ 1973માં આ વિસ્તારને સરકારે અનામત વન તરીકે જાહેર કર્યો અને ત્યાર બાદ વર્ષ 1980માં તેને અભ્યારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય એક એવું અભ્યારણ્ય છે.https://wildstreakofnature.com/gu/hingolgadh-nature-education-sanctuary/ જે ખાસ પ્રાકૃતિક શિક્ષણ આપવા માટે સ્થાપવામાં આવ્યું છે. વર્ષ 1977ના સપ્ટેમ્બર માસ દરમિયાન વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ પણ આ હિંગોળગઢ અભ્યારણ્ય ની મુલાકાત લીધી છે.

ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્તપણે સંચાલિત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્ય રાજકોટ શહેરથી 78 કિ.મી. દુર આવેલુ છે. જૈવ વિવિધતા અને વન્ય સંપદાઓથી ભરપુર હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય 654 હેક્ટર જમીનમાં ફેલાયેલુ છે. વર્ષ 1982થી દર વર્ષે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી.

આજ દિન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ 2,20,293 જેટલા વિવિધ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેનારને વનભ્રમણ, વિવિધ વનસ્પતિની ઓળખ, પક્ષી દર્શન અને તેનો વિસ્તૃત અભ્યાસ, રાત્રીના આકાશ દર્શન, કેમ્પફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરાવવામાં આવે છે.

WSON Team

હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્યમાં આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતિઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/ હેક્ટર છે. જેમાં મુખ્યત્વે ગોરડ, હરમો, ઈંગોરીયો, દેશી બાવળ, મદીઠ, કાંચનાર, લીમળો, ખીજળો, મીંઢળ, રોહિડો, સંડેસરો, ગરમાળો, અસિત્રો, રગતરોપડો, વડલો, અરબી સાગર, કદમ, બુલબુલ, બહેડા, રાયણ, ગુલમહોર, રણમાં ઉગતી એક પ્રકારની જાર – પીલુ, અર્જુનસાગર, અંજીર વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે.

અહિંયા ઓછી ઉંચાઈ ધરાવતા શાખીત ક્ષુપો શાકાહારી પશુ-પક્ષીઓને ખોરાક પુરો પાડે છે. જેમાં વિકળો, સિસોટી, થોર, ખપાટ, થૂમરી, આવળ, ચણી બોર, ગૂગળ, જેઠીમધ, વજ્રદંતી, મકરોડી, મામેજવો (ડાયાબીટીસના નિયંત્રણમાં લાભદાયક), કળાયો (એક જાતનો ગુંદર છે જેનો ફાર્માસ્યુટીકલ અને ટેક્સટાઈલમાં ઉપયોગ થાય છે), ઈન્દ્રજવ(ડાયાબીટીસ અને પેટની તકલીફમાં ઉપયોગી), અરડુસી, નગોળ (પેટના દર્દમાં અને ફેક્ચરમાં તેના પાંદળા વીંટાળવાથી રાહત થાય) જેવા ઔષધિય ક્ષુપો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ચણોઠી, સાટોડી, બટકણી, ખજવણી, શતાવરી, કારોડી, પડવેલ, નોડવેલ, દૂધિયો, પેશી, અમરવેલ, વેવડી વગેરેના વેલા જોવા મળે છે. અહીંયા ૩૧ પ્રકારના ઘાસ જોવા મળે છે. જેમાં લાપડુ, રાતળ, ફોફલુ, શનિયર, ફાટેલુ, અજાન, કણેરૂ, ધ્રપડો, ખારિયું, બરૂ, ચકલુ, સરવાડી, જીંજવો, રોસા વગેરેનો સમાવેશ થાય છે.

અહીંયા ચોમાસાની ઋતુ અને શિયાળાની ઠંડી હવા, વિવિધ જાતની વનસ્પતિ અને આંખોને ગમે તેવી નયનરમ્ય હરીયાળી પક્ષીઓના વસવાટની આગવી પસંદગી રહી છે, જેને કારણે અહીં 229 પ્રકારના પક્ષીઓની વિવિધતા જોવા મળે છે. નવરંગ, દુધરાજ, અધરંગ, ચાતક, દૈયડ, પરદેશી કોયલ, પચનક લટોરો, કાઠીયાવાડી લટોરો, શોબીગી, નાનો રાજાલાલ, કાબરો રાજાલાલ સહિતના અનેક પક્ષીઓ જોવા મળે છે.

WSON Team

ચોમાસાની ઋુતુમાં પ્રજનન માટે આવતુ નવરંગ પક્ષી (Indian Pitta) તેના અવાજથી સૌ કોઈને મોહિત કરી દે છે. દુધરાજ (Indian paradise flycatcher) મધ્ય એશિયાના દક્ષીણ-પૂર્વીય ચીન, નેપાળ, દક્ષીણ ભારત, શ્રીલંકા, મ્યાનમારમાં જોવા મળતું મહત્વનું પક્ષી છે. તેની પાંખો 86-92 મીમી લાંબી અને તેની પુંછડી 24 થી 30 સે.મી. સુધી લાંબી હોય છે. દુધરાજને જોવો તે પણ એક અલૌકિક લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થતા સુગરીએ આ વિસ્તારને પોતાનું હેબિટેટ(રહેઠાણ) બનાવતા તેના માળાઓ આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે.

અહીંયા કુલ 62 પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી 21 પ્રકારના સસ્તન પ્રાણીઓની પ્રજાતિ, 8 પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, 33 જાતના સરિસૃપ પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે. જેમાં મૃગ કુળનું ચિંકારા અને નીલગાય મુખ્ય પ્રાણીઓ છે. વર્ષ 2019-20ની ગણતરી મુજબ ચિંકારાની વસ્તી 150 જેટલી નોંધાઈ છે. વર્ષના 8 મહિના લીલોતરીના કારણે શાહુડી, સસલા, નોળિયા વણીયર, જેવા તૃણાહારીઓનો વસવાટ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળ, ઝરખ, ક્યારેક વરૂ અને દિપડા જેવા જંગલી પશુઓ પણ ક્યારેક જોવા મળી જાય છે.

હગોગઢ અભ્યારણ્યમાં છેલ્લા 3 વર્ષથી આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા આરીફ ઠેબા જણાવે છે કે, આ વિસ્તારમાં જમીન ખડકાળ હોવાના કારણે વરસાદનું પાણી નદી-નાળામાં વહી જતુ હતું. જેને અટકાવવાના નવતર અભિગમરૂપે માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ અને ચેકડેમની કામગીરી કરવામાં આવી છે.

WSON Team

સમગ્ર અભ્યારણ્યની અંદર વરસાદના પાણીને અટકાવીને 150 જેટલા પાણીના નવા જળસ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 350 જેટલા માટી પાળા, પથ્થર પાળા અને વન તળાવ સમગ્ર અભ્યારણ્યમાં બનાવવામાં આવ્યા છે. જેની ઉંડાઈ 1 મિટર જેટલી હોય છે. ઉંચાઇવાળા વિસ્તારમાં વરસાદના કારણે પાણી વહીને પાળામાં એકઠું થાય છે. આ એકઠું થયેલુ પાણી નિતરતુ-નિતરતુ છેક નીચેના પાળામાં આવે છે. જેનાથી જમીનનું ધોવાણ અટકે અને પાણીનો સંગ્રહ થાય છે. તેમજ ચાલુ વર્ષે 85 જેટલા માટી પાળા બનાવવામાં આવ્યા છે. આ જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની જમીનના તળ ઉંચા આવી રહ્યા છે.

ગીર ફાઉન્ડેશનના નિયામક રવિદત્ત કંબોજ, વન વિભાગના નાયબ નિયામક આઈ.કે.બારડ, મદદનીશ નિયામક ગીર ફાઉન્ડેશન વિભાબેન ગોસ્વામીના નેજા હેઠળ આદર્શ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં જોયેલું અહીંનું કુદરતી સૌદર્ય માનવીના મન પર અમીટ છાપ છોડી જાય છે.

Hingolgadh Nature Education Sanctuary

- Advertisment -