બિલાડી કુલના વન્યજીવોમાં હવે ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસ બનાવાયા
ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરાયા છે. આ આવાસોનું લોકાર્પણ આજરોજ વન મંત્રી ગણપત વસાવાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન રાજય મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
એશિયાઈ સિંહો ગુજરાત જ નહિ, સમગ્ર દેશનું ગૌરવ છે, તેવું કહી વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, તે પ્રકારે વાઘ અને દિપડા પણ આપણું ગૌરવ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં માણસોની ચિંતા સાથે સાથે વન્ય અને અન્ય પ્રાણીઓની પણ ચિંતા કરાય છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ગાંધીનગરના આંગણે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે વન્ય જીવ એવા સિંહ, વાઘ અને દિપડા માટે ઓપન મોટ પ્રકારના આવાસોનું નિર્માણ કરાયું છે. તેમજ રાજય સરકારના કરૂણા અભિયાનની પણ માહિતી આપી હતી.
રાજયના પાટનગરમાં વધુ એક જોવાલાયક સ્થળ અને લોક આકર્ષણનું કેન્દ્ર ઇન્દ્રોડા પાર્ક બનશે, તેવું કહી વન મંત્રી વસાવાએ ઓપન મોટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલું જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ અપાયો છે.
વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના ક્લિન ગુજરાત, ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા માટે વન વિભાગ દ્વારા રાજયમાં ૧૦ કરોડથી વધુ રોપાઓનું વિતરણ સામાજિક વનીકરણ અંતર્ગત કરાયું છે. આજે રાજયમાં જંગલ વિસ્તાર સહિત રાજયમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોવાનું કહી લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃત્તિ આવી છે, તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે વન રાજય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરાયું છે. આવાસોમાં મુલાકાતીઓ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે.
ગીર ફાઉન્ડેશનના નિયામક યુ.ડી.સિંઘે જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રખાયેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરાયેલો બોટનિકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ 6 લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે. તેમજ ગીર ફાઉન્ડેશન પારિસ્થિતિકીય શિક્ષણ અને સંશોધનના કાર્યક્ષેત્રમાં પણ કાર્યરત છે.
મંત્રી ગણપત વસાવા અને રમણ પાટકરના હસ્તે ‘ઓપન મોટ’ને ખુલ્લો મુક્વામાં આવ્યો હતો. તેમજ સિંહ, વાધ અને દિપડા ના અધતન આવાસોમાં મુક્ત મને ફરતા હતા, તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે ઇન્દ્રોડા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિલાડીકુળના વન્યજીવ બે સફેદ વાઘ (નર અને માદા) લવાયા છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રખાયેલ સિંહની પ્રખ્યાત જોડી તેમજ ભારતીય ચાર દીપડાઓ (બે નર અને બે માદા)ને અદ્યતન પ્રકારના ઓપન મોટ આવાસોમાં રખાયા છે. જેથી તેમને ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકશે.
જાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે