કચ્છ વિસ્તારમાં પાણીની તંગીને પગલે પક્ષી સૌંદર્યના સ્થળો પાણી વિના સુમસામ ભાસી રહ્યા છે. તેવા સમયમાં કચ્છનું છારીઢંઢ પક્ષી અભયારણ્ય એક મોસમી જળપ્લાવીત રણ અને આ ક્ષેત્ર અંદાજે 80 ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે. આ સ્થળ ચોમાસા અને શિયાળામાં સ્થળાંતર કરીને આવતાં લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે. છારી ઢંઢ ઉંદરોની વસ્તીના કારણે ગરૂડ(Eagle) પક્ષી માટે શિકારગાહ બન્યું છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસી મહેમાનોના મનોરંજન માટે પક્ષી નિરીક્ષણ સ્થળની શોધમાં બધા જ જાણીતા પક્ષીતીર્થની આદરેલી શોધમાં લગભગ નિરાશ થવું પડયું છે. પરંતુ છારી ઢંઢે બધાનું સાટું વાળી આપ્યું છે.
વિશ્વવિખ્યાત બનેલું છારીઢંઢ તદ્દન ખાલી થઈ જવાથી અહીં આવતા પક્ષીઓએ પોતાનું સરનામું બદલ્યું છે. છારી ઢંઢમાં થતા `ધામુર’ (થેગ) ઘાસના મૂળિયા ખાઈને જીવન નિભાવનાર ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે કુદરતે સર્જેલા શિકારી પક્ષી ગરૂડ(Eagle)ની અનેક જાતો સેંકડોની સંખ્યામાં ઉંદરનો શિકાર કરી જીવન વિતાવે છે. છારી ઢંઢમાં ઉંદરની નગરી કહો તો નગરી અને વસાહત કહો તો વસાહત, વરસાદના અભાવે સૂકાયેલ `ડીર’ અથવા `કભ’ ઘાસના કુંપાળા જેવા મૂળિયા ખાવા માટે મોટા મોટા દરની કોલોની બનાવી હજારોની સંખ્યામાં છારી ઢંઢને જીવંત બનાવે છે. એક ઉંદર દંપતી પોતાના એક વર્ષના જીવનકાળ દરમ્યાન 48 વખત 6 બચ્ચાં મૂકી જનસંખ્યામાં વૃદ્ધિ એટલી બધી ઝડપી કરે છે કે પાંચ છ વર્ષે આ ઉંદર દંપતીની સંખ્યા હજારો નહીં લાખોમાં પહોંચી જાય છે. આ ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે શિકારી પક્ષી ગરૂડ(Eagle) બનાવેલ છે.
કચ્છમાં દેખાતી શિકારી પક્ષીની 23 જાતો પૈકી મોટાભાગનો ખોરાક ઉંદર જ છે. નાના મોટા રણમાં ક્યાંય પક્ષીઓ જોવા મળતા નથી. આવા દુષ્કાળ દરમ્યાન છારી ઢંઢમાં `દેશી ઝુમસ` ‘ટપકાદાર ઝુમસ’ અને મોસમી ટીસોની લગભગ 300થી વધારે સંખ્યા જોવા મળે છે. એક દેશી અને બે વિદેશી પ્રવાસી ગરૂડ(Eagle) છેક રશિયાથી સાઈબેરિયાના ઘાસિયા મેદાનમાં બચ્ચા ઉછેરવા આ ગરૂડ(Eagle) ડગલે ને પગલે પોતાની શિકાર પ્રવૃત્તિમાં મશગૂલ થયેલ જોવાની પક્ષી નિરીક્ષકોને મજા પડી જાય તેવું વાતાવરણ અહીં ઢંઢમાં કુદરતે સર્જ્યું છે. ગરૂડ સાથે ઘુવડની એક જાત `રવાયડું’ અહીંના ઉંદર મિજબાનીમાં સામેલ થયેલ છે.

કચ્છના છારીઢંઢની ઉંદરની વસાહત આખી કોલોની જેવી છે. જેમાં પસાર થવાના રાજમાર્ગ અને પગદંડી પણ છે. રાત્રિ દરમ્યાન સક્રિય બનનાર ઉંદરની આ જાત પોતાના રહેઠાણમાં અનાજ અથવા ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કેટલાક ઉંદરના દરમાં ત્રણથી ચાર કિલો અનાજ નીકળી આવે છે. આવા સંગરાખોર ઉંદરે પરદેશી અને દેશી શિકારી પક્ષીઓ માટે ભોજનશાળા બનાવી પક્ષી નિરીક્ષકો માટે એક અનન્ય લ્હાવો ઊભો કરેલ છે. જે દરેક પ્રકૃતિપ્રેમીએ માણવા જેવો છે.
આ વિસ્તારમાં અતિ દુર્લભ ગણાતું `ડાકુ ગીધ’ વર્ષો બાદ આ ઉંદર વસાહતની મુલાકાતે પધારેલ છે. ડાકુ ગીધને છેલ્લે 1991ની વચ્ચે એટલે કે 28 વર્ષ પહેલાં જોવા મળ્યું હતું. જે પક્ષીશાત્રના ઈતિહાસમાં અનોખી ઘટના ગણાવી શકાય.ચોમાસામાં પાણીની વિપુલતાને કારણે ભારતના આ અનન્ય જળપ્લાવીત ક્ષેત્રમાં ઘણાં પક્ષીઓ આકર્ષાઈને આવે છે. સમાગમકાળના પીંછા ધરાવતા હજારો સુરખાબ, સામાન્ય બગલાઓ અને અન્ય જળપ્લાવીત વિસ્તારના પક્ષીઓ જેવા કે સેંકડો સ્ટોર્ક અને ચમચાચાંચ અને બીજી જાતિના પક્ષીઓ અહીં આવે છે. આ સાથે ચિંકારા, વરુ, હેણોતરો, રણબિલાડી અને રણ શિયાળ સાથે અન્ય નાશપ્રાય પક્ષીઓ પણ અહીં જોવામાં આવે છે.