ગુજરાતમાં પ્રાણીઓની સુરક્ષાને લઈને ગુજરાત સરકારે હવે સફારી પાર્કને મંજૂરી આપી છે. સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે પાર્ક બનશે,, તો તિકલવાડા પાર્કમાં ટાઈગર માટે પાર્ક બનશે. આમ સરકારે કુલ 3 નવા સફારી પાર્કને બનાવવા માટે મંજૂરી આપી છે.
ગણપત વસાવાએ આ ત્રણ નવા સફારી પાર્કને મંજૂરી આપી છે. સાથે જ આંબરડી સફારી પાર્કમાં વધું સિંહો મૂકવાની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે.
રાજ્યમાં જ ત્રણ નવા સફારી પાર્ક બનાવવામાં આવશે તેમાંનો એક સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે બનાવાશે. જેમાં ડાંગના વઘઇમાં 32 હેક્ટર જમીનમાં દીપડા માટે સફારી પાર્ક બનાવાશે. તો આ ઉપરાંત તિલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવાશે. તિલકવાડામાં 64 હેક્ટર જમીનમાં ટાઈગર સફારી પાર્ક બનાવાશે. જેમાં 8 વાઘને મૂકવામાં આવશે. આમ ગુજરાતને ટાઈગર અને લાયન સફારી એમ બંને પાર્ક એકસાથે જોવા મળશે.
ગણપત વસાવાએ સિંહને સમગ્ર ભારતનું ગૌરવ ગણાવતા કહ્યું હતું કે આંબરડી લાયન સફારી પાર્કમાં હાલમાં 3 સિંહો મૂકવામાં આવ્યા છે. વધું 5 સિંહો મૂકવાની દરખાસ્ત કેન્દ્ર સરકારે મંજૂર કરી દીધી છે. જેથી હવે આંબરડી સફારી પાર્કમાં 8 સિંહો ગર્જના કરતા જોવા મળશે.
આ પાર્ક બનાવવા માટેની મંજૂરી ગુજરાત સરકાર તરફથી તો મળી ગઈ છે. પરંતુ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર પાસેથી પણ મળી જશે. ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે જ્યાં ટાઈગર સફારી પાર્ક અને લાયન સફારી પાર્ક બંને હશે.