ફ્લાય કેચર, ઈન્ડિયન કર્સર, સ્નાઈપ, પ્રેટિંકોલ સહિતનાં પક્ષીઓ ઉનાળામાં સારી રીતે જોઈ શકાય

ભારત દેશ પક્ષીઓ નું સ્વર્ગ છે. ભારત માં દુનિયાના 12% એટલે કે આશરે 1394 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતમાં પણ 600થી વધારે અને વડોદરામાં 200થી વધારે પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. વડોદરાની આજુબાજુ ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી યાયાવર પક્ષીઓ વઢવાણા સરોવર તેમજ ટીંબી સરોવરમાં જોવા મળે છે. તે સિવાય પરીએજ તેમજ કનેવાલ તળાવ પણ ઠંડીની ઋતુ માં પક્ષી દર્શન માટે આદર્શ છે.

પક્ષીવિદ્ ડૉ.રાહુલ ભાગવતે જણાવ્યું હતું કે, પક્ષીઓ આપણી આસપાસ બારેમાસ હોય છે. ઉનાળામાં તળાવ સૂકાયા ડો.રાહુલ ભાગવત બાદ પણ કાદવ-કિચડમાં પણ વિવિધ પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરતાં હોય છે. જેથી ઉનાળામાં પક્ષી દર્શન માટે થોડી વધુ મહેનત કરવી પડે છે. ઊનાળો આવતા અમુક ફ્લાય કેચર તેમજ જંગલમાં રહેતા પક્ષીઓનું સુંદર અવલોકન થઈ શકે છે. મે મહિનાના આખરે નવરંગ પક્ષીનું આગમન થાય છે, તે સિવાય તળાવ કાંઠે કીચડમાં અનેક પ્રકારના પક્ષીઓ વહેલી સવારે અને મોડી સાંજે ગરમી ઓછી થતાં જોવા મળે છે. જેમાં પ્રેટિન્કોલ તેમજ કર્સર જાતિના પક્ષીઓ સારી રીતે જોવા મળી શકે છે. પાનખર ઋતુ શરૂ થતાં જાંબુઘોડા રતનમહાલ, શૂલપાણેશ્વરના જંગલોમાં ઘુવડની વિવિધ પ્રજાતીઓ જોવા જઈ શકાય છે. તે સાથે જ રીંછ, દીપડા, ઝરખ તેમજ શિયાળ જોવાનો લહાવો પણ મળી શકે છે.

વડોદરાની આસપાસ ઉનાળામાં જોવાં મળતાં પક્ષીઓ

જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વડોદરા સમૃદ્ધ છે. અહીં શિયાળા તેમજ ચોમાસા સહિત ઉનાળામાં પણ પક્ષી દર્શન બખૂબી થઈ શકે છે. ઉનાળામાં પેરેડાઈઝ ફલાય કેચર, બ્લેક હેડેડ બંટિંગ, ક્રેસ્ટેડ બંટિંગ, વેસ્ટર્ન રીફ એગ્રેટ, વાયર ટેઈલ્ડ સ્વોલોવ પર્પલ સનબર્ડ. મોટલ વુડ આઉલ, બ્રાઉન વુડ આઉલ સહિતના પક્ષીઓ સરળતાથી દેખા દે છે.

પક્ષીઓ ઋતુ પ્રમાણે તેમની જગ્યા બદલે છે.

દરેક ઋતુ પ્રમાણે તેમની જગ્યાઓ બદલાતી રહે છે. દરેક ઋતુમાં જુદાજુદા વિવિધ પ્રકારના પક્ષીઓ પ્રવૃતિમય થાય છે. તેથી જ બારે માસ પક્ષી દર્શન થઈ શકે છે. જેમાં નવરંગ અને ચાતક ફક્ત ઉનાળા અને ચોમાસા માં જ જોવા મળે છે. વહેલી સવારે અને મોડી સાંજે સારું પક્ષી દર્શન થઈ શકે. વડોદરામાં ટીંબી અને ડભોઈના વઢવાણા તળાવમાં પણ સ્થાનિક પ્રજાતિના પક્ષીઓ જોઈ શકાય છે.