ઘોરાડની ઘટતી સંખ્યા પર્યાવરણજગતના ચિંતકો માટે ચિંતાનો વિષય બની રહી છે,

જૈવ વૈવિધ્યથી સભર સૃષ્ટિની સંપદા સમાન ઘોરાડની ઘટતી સંખ્યા પર્યાવરણજગતના ચિંતકો માટે ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે કચ્છ પ્રદેશના લાલા અભયારણ્યમાં ધરતીપુત્રોના એક જૂથે ઘોરાડને બચાવવાના હેતુ સાથે સજીવ ખેતી કરવાની પ્રેરક પહેલ કરી છે. અનુસરવા જેવા સંકલ્પ હેઠળ કચ્છના ધરતીપુત્રોના એક સમૂહે ઘોરાડનાં અનાજને ઝેરીલું બનાવતાં ઝેરી, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોનો ખેતીમાં ઉપયોગ નહીં કરવાનો ફેંસલો કર્યો છે. આઈયુસીએનના અહેવાલ અનુસાર, અત્યારે ઘોરાડની સંખ્યા ચિંતાજનક રીતે માત્ર 20ની રહી ગઈ છે, ત્યારે ખેડૂતોએ કોર્બેટ ફાઉન્ડેશન નામે સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકલન સાધીને સજીવ ખેતીની પદ્ધતિ અપનાવીને મગ ઉગાડ્યા છે.

natureconservation.in

તજજ્ઞોના મત મુજબ, ખેડૂતો ખેતીમાં જંતુનાશકોનો ઉપયોગ કરે છે ત્યારે ઘોરાડ તેનો જંતુઓ, તીડ, ગરોળી જેવા મોટાભાગનો ખોરાક ખોઈ બેસે છે, જેનાં પગલે તેને પાકના નાના જંતુઓની શોધ કરવી પડે છે, પરિણામે પાકનો પણ સોથ વળે છે. સજીવ ખેતી અપનાવવાનો પ્રયોગ એ હદે પ્રોત્સાહક રહ્યો છે કે, કોર્બેટ ફાઉન્ડેશન અને ખેડૂતોએ `ઘોરાડ’ના બ્રાન્ડનેમ સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે અરજી કરવાનો પણ ફેંસલો કર્યો હતો.

કચ્છ ઈકોલોજિકલ રિસર્ચ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર અને રાજ્ય ઘોરાડ સંરક્ષણ સમિતિના સભ્ય દેવેશ ગઢવીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવ્યું હતું કે, ઘોરાડનો 30 ટકા જેટલો ખોરાક ખેતર, વાડીમાંના જંતુઓ છે અને ઝેરી જંતુનાશક ઘોરાડના આહારરૂપ આ જંતુઓ માટે જીવલેણ નીવડતાં હોય છે, તેવું અમે સમજી શક્યા છીએ. સજીવ ખેતીનાં પરિણામો ભારે પ્રોત્સાહક રહ્યા.

જંતુનાશકોનો વપરાશ બંધ કરીને ખેડૂતો પ્રારંભિક તબક્કે 700 કિલો મગ ઉગાડી શક્યા, તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં, સજીવ ખેતીથી ખેડૂતો ઘોરાડના સંરક્ષણ ઉપરાંત વધુ કમાણીનો હેતુ પણ પાર પાડી શક્યા. સોશિયલ મીડિયા પર પ્રચારથી માત્ર બે દિવસમાં મગ વેચાઈ ગયા. બજારમાં કિલોના 45 રૂપિયા મેળવતા કિસાનોને એક કિલોના 70 રૂપિયા મળ્યા. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) દ્વારા તેના એક તાજા અહેવાલમાં કચ્છ તેમજ સમગ્ર દેશમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડની ઘટતી સંખ્યા સંદર્ભે ચિંતા વ્યક્ત કરાઈ છે. આ અહેવાલ નોંધે છે કે, ખાનગી, સામુદાયિક અને સરકારની સંસ્થાઓ વચ્ચે વહેંચાયેલી માલિકીથી સર્જાતી સંદિગ્ધ સ્થિતિ, દબાણ જેવી સમસ્યાઓ કચ્છ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘોરાડ અભયારણ્યોમાં છે.                      (News Source : કચ્છ મિત્ર)