ગુજરાતના ગીરમાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટ ખફા થઈ છે. ગુજરાત હાઈકોર્ટે સિંહોના મોતને લઈ સુઓમોટો અરજી દાખલ કરી છે, સંભાવના એવી છે કે સોમવારના રોજ મુખ્ય ન્યાયમુર્તિ આ સુઓ મોટો અરજીની સુનવણી કરશે. આ અરજીમાં કેન્દ્ર અને રાજય સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેના કારણે હાઈકોર્ટ બંન્ને સરકારો પાસે તેનો ખુલાસો માંગશે.

તાજેતરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજય સરકારે ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નમાં ઉત્તર આપ્યો હતો કે છેલ્લાં બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત નિપજયા હતા. જેમાં 35 ટકા સિંહોના મોત આકસ્મીક થયા હતા. આ અંગે પ્રસિધ્ધ થયેલા સમાચારને હાઈકોર્ટે ગંભીરતાથી લીધા હતા. જેના પગલે આ સુઓ મોટો અરજી થઈ છે.

ગુજરાત હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં 35 ટકા સિંહોના આકસ્મીક મોત અંગે ચીંતા વ્યકત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના સિહો અંગે ગુજરાત સરકાર એક તરફ બહુ મોટા પ્રચાર કરે છે.  બીજી તરફ મધ્ય પ્રદેશ સરકારની સિહો આપવાની માગણીનો ગુજરાત સતત વિરોધ કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં સિંહોના મોતને હાઈકોર્ટે ગંભીરતાથી લઈ રહી છે.