વલસાડ: ગીધની ગણતરી પૂર્ણતાને આરે, રાજયમાં ગીધની સંખ્યામાં ઘટાડાનું અનુમાન
હાલના સમયમાં જેટલા ગીધ રાજયમાં જોવા મળે છે. તેટલા એક સમયે કચ્છ વિસ્તારમાં જોવા મળતા જોકે હાલના સમયમાં ગીધની સંખ્યા દિવસેને દિવવે ઘટી રહી છે. કુદરતના સફાઈ કામદારો તરીકે ઓલખાતું આ જીવ આજે ભયના અને લુપ્તતાના ઉમરે આવી ઉભી રહ્યું છે.
સમગ્ર રાજયના 33 જિલ્લામાં બે દિવસની ગીધની વસ્તી ગણતરી હાથ ધરાઇ હતી. Gujarat Ecological Education and Research (GEER) ફાઉન્ડેશન અને ગુજરાત વનવિભાગ દ્વારા સ્થાનિક પક્ષિવિદો સાથે મળી ગીધની ગણતરી હાથ ધરાઇ હતી. જેમા વલસાડમાં ગત 2016ની ગણતરીમાં 66 ગીધની સામે આ વખતે 56 ગીધ જ બચ્યા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ વન વિભાગે સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લામાં કેટલા ગીધ બચ્યા છે. તેની ગણતરી હાથ ધરી હતી તમામ સ્થળે લગભગ ગણતરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેનો રીપોર્ટ ફોરેસ્ટ મિનિસ્ટરને આગામી દિવસમાં સુપ્રત કરાશે જે બાદ એન્ડડેન્જર્ડની યાદીમાં મુકાયેલ ગીધની વસ્તી કેટલી ઘટી કે વધી તેની સત્તાવાર જાણ કરાશે હાલ વલસાડ જિલ્લામાં કરાયેલી ગીધની ગણતરી મુજબ અંદાજીત 56 જેટલા ગીધ જ બચ્યા હોવાની વિગતો મળી છે.
વલસાડ જિલ્લામાં ઉત્તર વનવિભાગના વનઅધિકારી અને નોડલ ઓફિસર બી સુચિન્દ્રા તેમજ પક્ષીવિદ મહમદ્દભાઇ હસન જત દ્નારા વિવિધ ટીમ બનાવી જિલ્લામાં ગીધના રહેઠાણવાળા વિસ્તારમાં ગણતરી હાથ ધરી હતી. જેમા હાલ 56 જેટલા ગીધની ગણતરી થઇ હોવાની વિગતો મળી હતી. જે જોતા વર્ષ 2016માં વલસાડ જિલ્લામાં 66 ગીધ હતા જેમા 10નો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ગીધની વસ્તી ગણતરી વહેલી સવારમાં કરવામાં આવે છે. કે જ્યારે તે તેના રહેઠાળ કે માળામાંથી આસપાસના વિસ્તારમાં ખોરાક માટે બહાર નિકળે છે. જયારે આ સમયે ગીધની ગણતરી કરવી સહેલાઈથી થઈ શકે છે.
દિલ્હી નજીક લઈ શકાશે ‘લાયન સફારી’નો આનંદ, હરિયાણા સરકાર કરી રહી છે તૈયારી
જો હરિયાણા સરકારની યોજના અસરકારક રહી તો દિલ્હીના લોકોએ જંગલના રાજા સિંહને જોવા માટે દૂર જવાની જરુર નહીં પડે. દિલ્હીની પાસે જ સિંહની ડણક સાંભળવા મળશે.
પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હરિયાણા સરકાર NCRમાં લાયન સફારી તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. હરિયાણાના વન, પર્યાવરણ અને વન્યજીવ પ્રધાન રાવ નરબીરસિંહે અરવલીના પહાડોની તળેટીમાં લાયન સફારી બનાવવા માટેની શક્યતા ચકાસતો અહેવાલ તૈયાર કરવા જણાવ્યું છે.રાવ નરબીરસિંહે એક મુલાકાતમાં જણાવ્યું કે, ‘અમે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ લાયન સફારી બનાવવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરે. અધિકારીઓને ગુરુગ્રામ અને ફરિદાબાદ જિલ્લામાં આવા સ્થળની પસંદગી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં અરવલ્લી તળેટીમાં લાયન સફારી માટે ખૂબ અનુકૂળ વાતાવરણ છે અને ત્યાં સિંહોને અનુકૂળ આવે તેવું હરિયાળી અને બાલુ મિશ્રિત વિસ્તાર પણ આવેલો છે. રાવ નરબીરસિંહે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે એક જ જગ્યાએ લગભગ પાંચ હજાર એકર જમીનની જરુર પડશે. રાવ નરબિરસિંહે કહ્યું કે, ‘આમ કરવા પાછળનો વિચાર એવો છે કે, ગીરના જંગલની જેમ અહીં પણ એક લાયન સફારી વિકસાવવી જોઈએ. જેથી દિલ્હી આવનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પ્રવાસન માટે વધુ આકર્ષિત કરી શકાય.
આ ઉપરાંત હરિયાણા સરકાર અહીં સિંહ માટેનું સંવર્ધન સ્થળ વિકસિત કરવા માગે છે જેથી સિંહોની સંખ્યામાં વધારો થાય’. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં એશિયાઈ સિંહોનો લુપ્ત થતી પ્રજાતીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010 પછીથી ગુજરાતમાં ગીર જંગલ નેશનલ પાર્કમાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ તેમ છતાં સિંહોની સંખ્યા માત્ર 665 છે.
કચ્છ : પદમપરના સીમાડામાં નીલગાયનો શિકાર તપાસનો ધમધમાટ શરૂ
પૂર્વ કચ્છમાં રાપર તાલુકાના પદમપર ગામની સીમમાં રક્ષિત પ્રાણી નીલગાયના શિકારનો કિસ્સો બનતાં વનતંત્ર દોડધામમાં પડી ગયું હતું. અલબત ‘ગામલોકો આવી જતાં શિકાર છોડીને ભાગી ગયેલા અજાણ્યા શિકારીઓ વિશે હજુ કોઇ જ સગળ મળ્યા નથી.
મળતી માહિતી મુજબ પદમપર ગામની સીમમાં શિકારી ટોળકીએ નીલગાય પ્રાણીને હણી નાખ્યું હતું. શિકારીઓની આ હરકત વિશે ગ્રામજનોને ખ્યાલ આવતાં વન્યપ્રેમીઓ સીમાડા તરફ ધસી ગયા હતા જોકે લોકોને આવતા જોતા શિકારીઓ મૃત નીલગાયને સ્થળ ઉપર જ છોડીને નાસી ગયા હતા.
દરમ્યાન ઘટના વિશે વનતંત્રને જાણ કરાતાં કાર્યકારી વર્તુળ વન અધિકારી વી.આઇ. જોષી તથા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ હાથ ધરી હતી. મૃત નીલગાયનો કબજો લઇને વનતંત્રના ધારાધોરણ મુજબની આગળની કાર્યવાહી આરંભાઇ હતી.
તંત્રની ટુકડીએ શિકારી તત્ત્વોની શોધખોળ માટે આસપાસનો સમગ્ર વિસ્તાર ખુંદી નાખ્યો હતો. પણ કોઇ સફળતા મળી ન હતી તેવું તંત્રના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન આ ઘટનાને કેન્દ્રમાં રાખીને જીવદયાપ્રેમી અને જાગૃત લોકોએ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અભયારણ્ય હેઠળ આવતા રાપર તાલુકામાં શિકારની ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક જેવી બની ગઇ હોવાની ફરિયાદો છે.
માત્ર ચાર વર્ષ પહેલાં વાગડ વિસ્તારમાં ચિંકારા હરણની સંખ્યા 400 જેટલી હતી પણ આજે આ પ્રાણી ભાગ્યે જ જોવા મળે છે. બેકાબૂ બનતી ગયેલી શિકારી પ્રવૃતિમાં આ રક્ષિત પ્રાણી મોટાભાગના હણાઇ ચૂકયા હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી રહી છે. નોંધપાત્ર અને ગંભીર બાબત આક્ષેપના રૂપમાં એ સપાટી ઉપર આવી રહી છે કે શિકારની પ્રવૃતિમાં અમુક વનતંત્રના માથાઓની મીઠીનજર પણ જવાબદાર બની રહી છે.
જોકે નીલગાયના શિકાર મામલે વનતંત્ર દ્વારા શિકાર કરાયેલી નીલગાયનું પોસ્ટમોર્ટમ કરાવીને ફરાર આરોપીઓ સામે ગુનો પણ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
સિંહની પજવણી કયારે અટકશે ? સિંહની પજવણી કરતો વધુ એક વીડિયો થયો વાયરલ
એશિયાટીક સિંહો ગુજરાત અને દેશની શાન છે. એશિયાટિક સિંહો ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. દેશ વિદેશના સહેલાણીઓ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે આવે છે. ગીર સોમનાથ જિલ્લો એટલે સાંસ્કૃતિક ઐતિહાસિક વિરાસત ધરાવતો પ્રદેશ છે, કે જ્યાં વિશ્વભરના પ્રસિદ્ધ એવા એશિયાટિક સિંહો છે. વન્યપ્રાણીઓ પોતાને બહુ ગમતા હોય એવા પ્રાણી પ્રેમીઓ વારંવાર ગીરની મુલાકાત કરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક એવા શખ્સો છે જે સિંહને પોતાના હાથનું રમકડું સમજે છે. અને મનફાવે તેમ તેની સાથે રમે છે. અને સિંહોને તેના જ ઘરમાં ઘુસીને પજવણી કરે છે. આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે.
આ વાઇરલ વીડિયોમાં કેટલાક શખ્સો સિંહ જાણે તેમના માટે પાલતું શ્વાન હોય તેવી રીતે તેને પજવે છે. આ શખ્સો એક સિંહણને મરઘીની લાલચ આપી ખેતરમાંથી ખુલ્લા પટમાં બોલાવે છે. આ દરમિયાન એક શખ્સ જમીન પર બેસી જાય છે, એટલું જ નહીં આ શખ્સો જમીન પર બેસી જાય છે. તેમને સિંહણનો કોઈ જ ડર નથી. ત્યારબાદ સિંહણને મરઘી બતાવી પજવે છે અને સામાન્ય રીતે એક બીજા સાથે વાતો કરે છે. તો જ્યારે સિંહણનું ધ્યાન બીજી તરફ પડે છે ત્યારે આ શખ્સ તેની સામે મરઘી ફેંકે છે. જેને લઈને સિંહણ ડરી જાય છે અને મરઘી પર તરાપ મારે છે. ત્યારબાદ સિંહણ આ મરઘીને લઈને જતી રહે છે. તો ચોંકાવનારી વાત એ છે કે, આ વીડિયોમાં એક મહિલા પણ દેખાઈ રહી છે.આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સના હાથમાં મરઘી છે અને તે સિંહણની નજીક જઇ ઘા કરે છે. થોડીવાર માટે શાંતિ છવાઇ જાય છે ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઇ જાય છે. જો કે આ વીડિયો અંગે વનવિભાગ કશુ બોલવા તૈયાર નથી.
ગીર ગઢડામાં સિંહની પજવણી કરતા ત્રણ બાઇકસવારનો વીડિયો વાયરલ
આ મામલે કુલ 7 શખ્સોને ઝડપી લેવાયા હતા. સાત શખ્સોમાં અમદાવાદના ત્રણ અને ચાર શખ્સો સ્થાનિક હોવાની સંભાવના છે. જો કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ છ શખ્સોને છોડી દેવાયા છે. જ્યારે મુખ્ય આરોપી જેલમાં છે. બીજી તરફ આ વીડિયો સામે આવ્યા બાદ સવાલો ઉઠ્યા છે કે, કે શું આ શખ્સોએ ગીરની શાનને પોતાની જાગીર સમજી છે? આ શખ્સોને કાયદાનો કોઈ ડર નથી ? સિંહણની પજવવાની છૂટ કોણે આપી ? જો પજવણી દરમિયાન સિંહણે હુમલો કર્યો હોત તો ? ક્યા સુધી ગીરના સાવજની પજવણી થતી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના આ પ્રકારે અનેક વિડિયો સામે આવી રહ્યા છે.
ઉના સિંહોની પાછળ દોડાવી હતી કાર
જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તાર સિંહોનો રહેણાક વિસ્તાર છે. પરંતુ વારંવાર સિંહની પજવણી કરવાની ઘટના બનતી રહે છે. ત્યારે વધુ એકવાર સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ગામમાં રાત્રિ સમયે આવી ચઢેલા બે સિંહોની પાછળ કાર ચલાવીને તેનો વીડિયો બનાવવામાં આવ્યો છે. સિંહને જોવા માટે સિંહની પાછળ કાર ચલાવીને તેને પરેશાન કરવાની સાથે તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
