સાસણ ગીર: સિંહોનાં મોતમાં વનવિભાગની લાપરવાહી છતાં પગલા નહીં

ગીર જંગલનાં ધારી પંથકમાં ૨૩ સિંહોનાં મોતની તપાસનાં નામે માત્ર નૌટંકી થઈ છે. એવો આક્રોશ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી ધારી તાલુકા વિકાસ સમિતિએ ઠાલવ્યો છે. વન વિભાગની લાપરવાહીથી સિંહો વાયરલ રોગનો ભોગ બન્યા છતાં હજુ સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરાયા નથી અને આમજનતા સામે તો વારંવાર કાયદાનું શસ્ત્ર ઉગામી દેવામાં આવે છે. એવો કચવાટ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ધારી તાલુકાનાં શેમરડી ચેકપોસ્ટ વિસ્તારમાં ૨૩ સિંહો મૃત્યુ પામ્યા છે, એ માટે જવાબદાર વન વિભાગ છે કે કેમ? તેવા પ્રશ્નો આમ પ્રજામાં ચર્ચા છે. આ તાલુકાનાં પ્રજાજનો સિંહોની વસ્તી વચ્ચે છેલ્લા ૫૦ વર્ષથી વસવાટ કરતાં હોય, ખુબ જ લાગણી, સહિષ્ણુતા ધરાવે છે. ૨૩ સિંહોનાં મૃત્યુ બાબતે વન વિભાગની નિષ્કાળજી છે કે કેમ? તેની કોઈ તપાસ કરવામાં આવી નથી. રેવન્યુ વિસ્તારમાં મારણ કરેલ કે મારી ગયેલ પશુઓને વન વિભાગનાં જ વાહનો દ્વારા વન વિસ્તારમાં સિંહોનાં ખોરાક માટે નાખવામાં આવે છે. આવા ખોરાકથી સિંહોનાં મૃત્યુ થયેલ છે કે કેમ? તેની તપાસ ઉચ્ચ કક્ષાએથી થઈ હોવાની કોઈ જાહેરાત વન વિભાગ કે સરકાર તરફથી કરવામાં આવેલી નથી. આમ પણ વન વિભાગની સતત નિષ્કાળજીનાં કારણે વારંવાર સિંહોનાં મૃત્યુ થાય છે. જેથી સરકાર તરફથી તમામ સિંહોનાં મૃત્યુ બાબતે અન્ય વિભાગ, સી.આઈ.ડી. કે ઉચ્ચ કક્ષાની કમિટિ દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી ધારી તાલુકાની પ્રજાની લાગણી અને માંગણી છે. આમ, પ્રજાજનોની માલીકીની જમીનો, ખેતરો કે જાહેર રોડ, રસ્તા, જાહેર સ્થળોએ પસાર થતાં સિંહોનાં અવર – જવરનાં સમયે સામાન્ય પ્રજાજનો સિંહદર્શન કરતાં હોય તો વન વિભાગ દ્વારા દંડ તથા ફરીયાદો કરવામાં આવે છે, તો આટલી મોટી સંક્યામાં સિંહોનાં મૃત્યુ બાદ વન વિભાગ મૌન કેમ સેવી રહ્યું છે? શું વન વિભાગની આ મૃત્યુ બાબતે કોઈની જવાબદારી જ નથી? તેવો ધારી તાલુકા વિકાસ સમિતિએ સવાલ ઉઠાવ્યો છે. વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારી તાલુકામાં ઈકો સેન્સીટીવ ઝોનની ગાઈડલાઈન મુજબ સરકારનાં વન વિભાગનાં તા.૧.૭.૧૫નાં પરિપત્રથી પાણીયા અને મિતીયાળા અભ્યારણ્ય વિસ્તારો માટે ૧૦ કિ.મી.ની ત્રિજયામાં હોટલ, રિસોર્ટસ તેમજ પ્રવાસન અને અન્ય વાણિજય તેમજ ઔદ્યોગીક એકમ માટે નિયંત્રણો લાગુ પાડવામાં આવેલ છે. જે નિયંત્રણ હેઠળ ધારી તાલુકા કક્ષાનું ધારી શહેર તેમજ અન્ય ૪૩ જેટલા ગામો સમાવિષ્ટ થાય છે. જે નિયંત્રણો મુજબ અમલ કરવા ધારી તાલુકાની જનતાં આજદિન સુધી વન વિભાગ સાથે સંકલનમાં રહી સહકાર આપતી રહી છે, પરંતુ ધારી તાલુકાનો વિકાસ વન વિભાગ દ્વારા કરવામાં આવતો નથી. ઉલ્ટાનં ધારી તાલુકામાં વિકાસને રૃંધવા તમામ પ્રયત્નો વન વિભાગદ્વારા થાય છે. વન વિભાગનાં કાયદા તેમજ મહેસુલ વિભાગનાં કાયદાઓનો છડેચોક ભંગ કરી કોઈ અભિપ્રાયોની દરકાર કરવામાં આવતી નથી. જેનાં કારણે ધારી તાલુકાનાં પ્રજાજનોમાં ખુબ અસંતોષ તેમજ રોષની લાગણી ઉભી થવા પામી છે.

વંથલી: વાહન હડફેટે વધુ એક દીપડાનું મોત

દસ દિવસમાં દિપડાના મોતની બીજી ઘટના

વંથલીના દિલાવરનગર નજીકથી દીપડાનો રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. વનવિભાગે પીએમમાં ખસેડતા દીપડાનું પેટના ભાગે ઇજા થવાથી મોત થયાનું સામે આવ્યું હતું. વાહન હડફેટે આ ઇજા થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ વંથલીના દિલાવરનગર નજીક હાઇવે પરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ કરતા વનવિભાગના સ્ટાફે આવી તપાસ કરતા ત્રણ વર્ષનો દીપડો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વનવિભાગે દીપડાનો મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સક્કરબાગ ખાતે ખસેડાયો હતો. જયાં દીપડાને પેટમાં ગંભીર ઇજા થવાથી મોત થયાનું બહાર આવ્યું હતું. જોકે રાત્રીના સમયે કોઇ વાહન હડફેટે દીપડાનું મોત થયાનું અનુમાન છે. અત્રે નોંધનીય છે કે દસેક દિવસ પહેલા પણ વંથલી નજીક વાહન હડફેટે દીપડાનું મોત થયું હતું. દસ દિવસમાં વંથલી પંથકમાં આ બીજી ઘટના બની છે.

સાસણ ગીર: 23 એશિયાટીક સિંહોના મોત બાદ બીજા તબક્કાની તપાસ શરૂ

એશિયાટીક સિંહોના લેવાયા બ્લડ સેમ્પલ

ગીરના દલખાણીયામાં 23 એશિયાટીક સિંહોના મોત બાદ હવે વનવિભાગ દ્વારા બીજા તબક્કાની તપાસ શરૂ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા ખાંભા પંથકના 9 સિંહનુ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મૃતક સિંહમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
WSON Team
મળતી માહિતી મુજબ પીપળવામાંથી એશિયાટીક સિંહ અને સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભાણીયામાંથી 2 સિંહણ, 1 બાળસિંહ, કોદીયામાંથી 2 સિંહણ અને ધૂંધવાણામાંથી 2 સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. વનવિભાગે એશિયાટીક સિંહોના સેમ્પલ લઈને પુના અને ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે. ગીરમાં 23 એશિયાટીક સિંહોના મોત બાદ સરકાર વધુ કડક બની છે. અને દિવાળી પહેલા જ તવાઈ બોલાવવામાં આવી છે. આ સંયુક્ત ઓપરેશનમાં ગીર આસપાસના ચિત્રોડા, બોરવાવ, ધાવા સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું.

એશિયાટીક સિંહોને બચાવો: ખુલ્લા કુવા ફરતે પેરાપેટની સહાય આવી રીતે મેળવો

બૃહદગીર વિસ્તારમાં આવતા રેવન્યુ ગામોમાં આવેલા ખુલ્લા કુવાઓમાં વન્યપ્રાણીઓ પડી જવા અંગેના બનાવો બનતા હોય છે. જે અકસ્માતો અટકાવવા માટે ગુજરાત રાજ્ય સરકારે ખુલ્લા કુવાઓ પારાપેટ વોલ બાંધી સુરક્ષીત કરવાઅંગેની યોજના અમલમાં મુકી છે. ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવા માટે સરકાર દ્વારા આ કામગીરીમાં લોકોનો સહયોગ થઇ શકે તે માટે દરેક કુવા દીઠ ખરેખર થયેલ ખર્ચ અથવા રૂા. આઠ હજાર બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય કરવામાં આવે છે. તેમજ મોટા ઘેરાઇના વિસ્તારનાં કુવાઓ માટે રૂા. ૧૬ હજાર સુધી સહાય મળી શકશે. ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવા અંગે સરકારનાં નિયમોનુસાર ઉંચાઇ લઘુત્તમ એક મિટર જાડાઇ ૦.૨૩ સે.મી. તેમજ બહારની સાઈડ પ્લાસ્ટર અને અંદરની સાઈડ વાટા કરી કુવાઓ સુરક્ષીત કરવાનાં રહે છે. આ માટે ખુલલ કુવાઓ સુરક્ષીત કરવા ખેડુતો, એન.જી.ઓ, અને. અન્ય ખાનગી સંસ્થાઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખુલ્લાકુવાઓ સુરક્ષીત કરવા અંગે સરકાર દ્વારા સદરહુ યોજના ઈ સર્વિસ હેઠળ આવરી લીધેલ હોય ખેડુતો http://forestservices.gujarat.gov.in?eservices?parapit?frmparapitApp.asx ઉપર કરી શકશે. અરજદારની અરજીનો દિવસ ૩૦માં નિકાલ કરવામાં આવશે. જ્યારે ઓફલાઇન અરજી બૃહદગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવા સરકારની સહાયનો લાભ મેળવવા માટે ખેડુતો/એ.જી.ઓ. ખાનગી સંસ્થાઓ વગેરે દ્વારા તેમની લાગુ રેન્જ કચેરીનો સંપર્ક સાધી નિયત નમુનાની અરજી ફોર્મમાં જરૂરી સાધનિક દસ્તાવેજી પુરાવા સાથે અરજી તથા એમ.ઓ.યુ કરવાના રહેશે. જે મંજુર થયે તેમના હસ્તકનાં ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવાનો રહેશે .કુવાઓ સુરક્ષીત કર્યા બાદ રેન્જ કચેરીએ જાણ કરવાથી રેન્જનાં પ્રતિનિધી દ્વારા ખુલ્લાકુવાની માપસાઈઝ લઇ તેનું વીયર તૈયાર કરવામાં આવશે. અને વિભાગીય કક્ષાએથી જે તે લાભાર્થીનાં બેંક ખાતામાં સીધુ જ ચુકવણું કરવામાં આવશે.

ગાંધીનગર: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટીક સિંહ બેલડીનું આગમન

ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં જુનાગઢ શક્કરબાગ ઝુમાંથી સિંહની જોડી ગાંધીનગર લાવી દેવામાં આવી છે. હાલ આ બંને સિંહ અને સિંહણને પ્રકૃતિ ઉદ્યાનમાં જ અલાયદા રાખવામાં આવ્યા છે. જેથી કરીને આ સિંહ જોડી અહીંના વાતાવરણથી ટેવાય.આ ઉપરાંત ઝુ ઓથોરીટીના નિયમ પ્રમાણે ૨૧ દિવસ બાદ મુલાકાતીઓ એશિયાટીક સિંહ સિંહણના જોઈ શકશે. છેલ્લા ગણતરી પ્રમાણે ગીર અભ્યારણમાં સિંહોની સંખ્યા વધી રહી છે. એટલં જ નહીં અભ્યારણની બહાર પણ ઘણા બધા સિંહ આવેલાં છે. તેવી સ્થિતિમાં છેલ્લા દોઢ મહિનાથી ગીરની દલખાણીયા રેન્જ સહિત અન્ય વિસ્તારમાં ફેલાયેલા વાયરસથી સિંહના મોત થયાં હતાં. ત્યારે રાષ્ટ્રના ગૌરવસમા આ ગીરના સાવજને સાચવવા માટે હાલ સરકાર મથી રહી છે.જેના માટે લાંબા ગાળાના આયોજન પણ કરવામાં આવ્યા છે.
WSON Team
ગાંધીનગર પ્રકૃતિ ઉદ્યાનમાં સિંહની જોડી માટે અગાઉ વારંવાર દરખાસ્ત કરવામાં આવી હતી. જેને થોડા દિવસ અગાઉ મંજુરી મળી ગઇ હતી. અને જુનાગઢના શક્કરબાગ ઝુમાંથી સિંહની જોડી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના કેઝ કિપરને સિંહને રાખવાની તેમજ તેના રખાવટની ટ્રેનીંગ માટે જુનાગઢ મોકલ્યા હતા. આ ઉપરાંત જુનાગઢથી જે સિંહ લાવવાના હતા તેની મેડિકલ તપાસ માટે ગાંધીનગરના તબીબને પણ મોકલવામાં આવ્યા હતા. જેમને ત્યાં દસ વર્ષના સિંહ તેમજ આઠ વર્ષની સિંહણનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યારબાદ આ બંને ગાંધીનગર લાવવા માટે ફીટ જણાતાં તેમને તબક્કાવાર ગાંધીનગર મોકલ્યા હતા. આ પ્રકૃતિ ઉદ્યાનમાં સિંહ અને સિંહણને હાલ અલાયદા રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી ૨૧ દિવસ સુધી આ સિંહ અને સિંહણ ગાંધીનગરના વાતાવરણને અનુકુળ થવા માટે પ્રયત્ન કરશે એટલું જ નહીં આસપાસના પાંજરામાં રહેતાં અન્ય પ્રાણી અને પક્ષીઓથી પણ તેમને ટેવવું પડશે. ઝુ ઓથોરીટીના નિયમ પ્રમાણે ૨૧ દિવસ બાદ જ મુલાકાતીઓ માટે આ સિંહ પાંજરામાં ખુલ્લા મુકવામાં આવશે. http://wildstreakofnature.com/gu/indroda-nature-park/