દાહોદ: દીપડાનો આતંક યથાવત, 7 દિવસમાં 5 લોકો પર હુમલો, 3 લોકોના મોત

દાહોદ જિલ્લા દેવગઢબારીયા તાલુકામાં દીપડાનો આતંક હજુ યથાવત છે. આદમખોર દીપડાએ વધુ એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી છે. અત્યાર સુધીમાં દીપડાના હુમલામાં કુલ ત્રણ લોકોના મોત નિપજી ચુક્યા છે. માહિતી માહિતી પ્રમાણે દાહોદના દેવગઢબારીયા તાલુકાના ધાનપુરમાં છેલ્લા એક અઠવાડીયાથી દીપડો જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તીમાં ફરી રહ્યો છે. આ દીપડો આદમખોર બની ગયો છે. જેણે 6 દિવસમાં અત્યાર સુધીમાં પાંચ લોકો પર હુમલો કર્યો છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકી અને મહિલા ગંભીર ઈજાઓ પહોચી હતી. ભાણપુર ખાતે આદમખોર દીપડાએ એક મહિલાને પોતાનો શિકાર બનાવી દીપડાએ મહિલાને શિકાર બનાવી જંગલમાં લઈ જઈ પોતાનો ખોરાક બનાવી દીધો હતો.
WSON Team
આદમખોર દીપડાને ઝડપી પાડવા 1૦૦થી વધુ વનવિભાગ કર્મીઓ દિવસ રાત એક કરી ખડે પગે કામે લાગ્યા છે. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ દીપડો હજુ પકડથી બહાર છે. આજુ બાજુના તમામ ગામના લોકો ડર અને દહેશતમાં ઓથા હેઠળ જીવી રહ્યા છે. કામ વગર સાંજ પછી ઘરમાંથી બહાર નીકળવું પણ લોકો ટાળી રહ્યા છે. વનવિભાગની ટીમે આખરે આદમખોર દીપડાને શૂટ કરવાનો નિર્ણય લીધો છે. જેને માટે વનવિભાગે સરકાર પાસે મંજૂરી માંગી છે. હવે સરકાર મંજૂરી આપે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, દીપડાને શૂટ કરવા માટે શૂટર ટીમને સ્ટેન્ડ બાય પણ કરી દેવામાં ઓઆવી છે. આ સિવાય દીપડાને ઝડપી પાડવા માટે ધાનપુર જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ પણ ગોઠવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

સાસણ ગીર: એશિયાટીક સિંહોની અને ગેરકાયદે લાયન શો માટે લેવાશે ડ્રોનની મદદ

32 રેપિડ રિસ્પોન્સ ટીમ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના 8 રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. 85 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ૩ર રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. આ બેઠકમાં વન પ્રધાન ગણપતસિંહ વસાવા, રાજ્યપ્રધાન રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય ધારાસભ્યો, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ માનદ સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા.
WSON Team
મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્યપશુઓની રાત્રી મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે ગીરમાં પણ કોરબેટ નેશનલ પાર્કની પેટ્રન પર E-Eye પ્રોજેકટ તહેત રાત્રીના સમયે પણ રાની પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા હેતુ સેન્સીટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને સૂચનાઓ આપી હતી. વિજયભાઇ રૂપાણીએ સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ. ૩૫૧ કરોડની યોજનામાં નવિન ટેકનોલોજી સાથેના પાંજરા, ડ્રોન, સી.સી.ટી.વી સર્વેલન્સ, આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સામગ્રી વગેરે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો આપ્યા હતા. તેમણે તાજેતરમાં વન્યપ્રાણીઓમાં દેખાયેલા રોગચાળા સંદર્ભમાં તકેદારીના પગલાં અને તત્કાલ સારવાર માટે આગામી સમયમાં સમયાંતરે એનિમલ હેલ્થ સર્વેલન્સ તેમજ લાયન એમ્બ્યુલન્સ અને ર૪ કલાક હેલ્પલાઇન માટેનું સૂચન પણ કર્યુ હતું.
WSON team
મુખ્યપ્રધાન અને બોર્ડના સભ્યોએ સિંહોના CDV મૃત્યુના તાજેતરના બનાવોમાં વન વિભાગે યુધ્ધના ધોરણે રસીકરણ સહિતના જે પગલાંઓ લીધા તેની સરાહના કરી હતી. સીએમ રૂપાણીએ વન્યપ્રાણી સૃષ્ટિ સાથોસાથ દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી જતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપી હતી. તેમણે ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોની બદીને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા પણ તાકીદ કરી હતી. મુખ્યપ્રધઆને વન્યપ્રાણી-પશુઓની સારવાર-સુશ્રુષા માટે વેટરનરી કેડર વધુ સક્ષમતાથી સજ્જ કરવા મેન પાવર ઉપલબ્ધ બનાવવાની અને સિંહની મૂવમેન્ટથી જાણકાર સ્થાનિક યુવા ટ્રેકર અને વન્યપ્રાણી મિત્રોના મહેનતાણામાં વધારો કરવા માટે યોગ્ય આયોજનનું પણ સૂચન કર્યુ હતું.
WSON Team
આ બેઠકમાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઊદ્યાન વિસ્તારની જમીનના બિનજંગલ ઉપયોગ માટે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ મંજૂરી મેળવવાની ર૯ દરખાસ્તોમાં હયાત માર્ગ વિસ્તરણ અને મજબૂતીકરણ, ઇલેકટ્રીક લાઇન નાખવાની, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખવા સહિતની બાબતો પણ ચર્ચા-વિચારણા માટે રજૂ કરવામાં આવી હતી. જીવદયા માટેના ગુજરાતના અભિનવ પ્રયોગ કરૂણા અભિયાન તેમજ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સફળતા અને તેની અન્ય રાજ્યો માટેની મોડેલ રૂપ કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

શિયાળાની ઋતુની શરૂઆત થતા જ વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા

શિયાળાની શરુઆત થતાં જ રાજયના વિવિધ સરોવરો અને તળાવમાં વિદેશી પક્ષીઓ માઈલોના માઈલ જેટલું અંતર કાપી એક દેશ માંથી બિજા દેશમાં ઉડાન ભરીને ગુજરાતના મહેમાન બને છે. રાજયના પોરબંદર, નળ સરોવર અને  વડોદરાથી 44 કિમીના અંતરે આવેલા વઢવાણા તળાવમાં વિદેશી પક્ષીઓનો મેળાવડો જામે છે. ત્યારે આ વર્ષે ઓક્ટોબર માસથી અત્યારસુધી અંદાજે 25 થી 35 હજાર વિદેશી પક્ષીઓ જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ વરસાદ ઓછી માત્રામાં થયો હોવાને કારણે કચ્છના રણમાં પાણી જ નથી જેને કારણે ત્યાં આવતા પક્ષીઓ પણ આ વર્ષે વઢવાણામાં જોવા મળ્યા છે. ઉપરાંત વઢવાણા તળાવમાં પણ પાણી ઓછુ છે જે પક્ષીઓ માટે ફાયદાકારક છે જેથી પક્ષીઓ વધુ અહીં અત્યારસુધી જોવા મળ્યા છે. અહીં આવતા 95 ટકા પક્ષીઓ માછલીઓ ખાતા નથી એટલે પાણી ઓછુ હોવાને કારણે પાણીમાં ઉગતી વનસ્પતિઓને તેઓ સહેલાઈથી ખાઈ શકે છે. ગુજરાતમાં ઓછા જોવા મળતા અમેરિકાનું ગ્રે મલાડ, લાલ ચાંચ કારચીયુ, શિયાળુ પાનબગલી આ વર્ષે જોવા મળ્યા છે. મોટાભાગના પક્ષીઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ગુજરાતમાં આવતા હોય છે જ્યારે રાજહંસ એકમાત્ર એવું પક્ષી છે જે હિમાલય સર કરીને ગુજરાતમાં આવે છે. આ વર્ષે તેની સંખ્યા 62થી પણ વધારે છે. યાયાવર પક્ષીઓને જે જગ્યા અનૂકુળ લાગે છે ત્યા દર વર્ષે આવે છે જેમાંનુ રાજહંસ છેલ્લા ચાર વર્ષથી વઢવાણા સરોવરમાં જોવા મળી રહ્યું છે. પક્ષીઓની ઓળખાણ માટે તેના ગળામાં બેલ્ટ બાંધવામાં આવે છે. વર્ષ 2009માં હિમાલયના તળાવમાં કે-65નો ટેગ રાજહંસના ગળામાં બાંધવામાં આવ્યો હતો. જે છેલ્લા ચાર વર્ષથી વઢવાણા આવી રહ્યું છે.

સાસણ ગીર: જંગલમાં એશિયાટીક લાયન પર હવે ડ્રોન કેમેરા રાખશે બાજ નજર

સરકારે નિર્ણય લીધા બાદ વન વિભાગે પહેલી વખત ડ્રોન કેમેરા વડે કરી દ્રષ્ટ્રિ

છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે લાયનશો અને જંગલમાં થતી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે સતત કાર્યરત રહેલા વન વિભગના અધિકારીઓ હવે તીસરી આંખથી જંગલ ઉપર નજર રાખશે. ખાસ કરીને જંગલના અને તેની સરહદ ઉપરના વિસ્તારો ઉપર નજર રાખવા હવે ઉડતા કેમેરા એટલે કે ડ્રોનની મદદ લેવામાં આવશે. ગાંધીનગર ખાતે તા. 20 નવેમ્બરના રોજ સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગણપત વસાવા બેઠકમાં હાજર રહ્યા હતા. વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવા બેઠક બાદ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં એશિયાટીક સિંહોના મૃત્યુ થયા અંગેની ચર્ચા કરાઈ હતી. એશિયાટીક સિંહોના સંવર્ધન માટે 351 કરોડના કામોને સરકારે મંજૂરી આપી છે. આવનાર 5 વર્ષમાં 351 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Social Media
આ ઉપરાંત ગુજરાતમાં અન્ય 5 જગ્યાએ સફારી પાર્ક બનાવવામાં આવશે. સાસણગીરમાં પ્રવાસીઓ નો ધસારો વધતા સરકાર હાલ અન્ય સફારી પાર્ક બનાવશે. આ ઉપરાંત સંવર્ધન માટે ડ્રોન, રેડિયો કોલર CCTVની ખરીદી પણ કરાશે. જેના ભાગરૂપે વન વિભાગના અધિકારીઓએ સાસણ સિંહ સદન ખાતેથી ડ્રોન કેમેરા વડે જંગલ અને તેની આજુબાજુના વિસ્તારો ઉપર કેવી રીતે નજર રાખી શકાય તે માટે નિદર્શન કર્યું હતું. આ અંગે વન્ય વર્તુળ ગીર વિસ્તાર ના મુખ્ય અધિકારી ડૉ. ડી. ટી વસાવડાએ જણાવ્યું હતું કે ગીર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા લાયન શો પર નજર રાખવા અને તેને અટકાવવા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ સિંહો નિ ગતિવિધિઓ પર પણ નજર રાખી શકાશે. જેથી કોઈ પ્રાણી ને કોઈ સમસ્યા હોય તો તુરંત સારવાર આપી શકાય.
Social Media
સાસણ ગીરના જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે લાયનશો અને અન્ય પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં ઉપયોગી એવા ડ્રોન કેમેરાથી શું થઇ શકે તેની પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ ટૂંક સમયમાં ડ્રોન કેમેરા જંગલ અને તેની સરહદ વિસ્તારો ઉપર ઉડતા નજરે પડશે જેનાથી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપરાંત સિંહની અવર-જવર ઉપર બાઝ નજર રાખી શકાશે

“નેશનલ શેમ” વાઘણ અવનીને શુટ આઉટ કરવાના મામલે વડોદરામાં વિરોધ પ્રદર્શન

વાઘણ અવનિના ‘શિકાર’ ના વિરોધમાં વડોદરાની સંસ્થાઓ થઈ એક, પ્રાણી પ્રેમીઓએ તપાસની કરી માંગ,

મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લામાં વાઘણ અવનીને શુટ આઉટ કરવાના મામલે હવે પ્રાણી પ્રેમીઓનો વિરોધ વધી રહ્યો છે. વડોદરા સહિત વિશ્વના અનેક દેશોમાં “નેશનલ શેમ” નામથી અવનીની હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં વિશ્ર્વના 22 દેશોમાં અને ભારતના 31 શહેરોમાં એક સાથે અને એક સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
WSON Team
વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ પાસે પ્રાણી પ્રેમીઓએ વાઘણ અવનીને શુટ કરવાનો વિરોધ કર્યો હતો. વિરોધમાં એક નિર્જીવ વાઘણને સાથે રાખી તેમજ પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. શહેરની વિવિધ સંસ્થાઓ જેમ કે કેનાઇન ગ્રૂપ, નેચર વોક ગ્રૂપ, વાઇલ્ડ લાઈફ રેસક્યુ ટ્રસ્ટ અને હ્યુમન્સ વિથ હયુમનિટી એકઠી થઈ ને અવનિ વાઘણ ને જે રીતે ક્રૂરતા થી મારી નાખવામાં આવી હતી તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રાણી પ્રેમીઓના વિવિધ ગ્રૃપોએ વાઘણ અવનીને શુટ કરવાના મામલે તપાસની માંગ કરવાની સાથે સખ્ત કાયદો ઘડવાની માંગ ઉચ્ચારી હતી.
WSON Team
તેમજ સરકાર પાસે વાઘોની રક્ષા કરવા તમામ પ્રયાસો કરવા જોઈએ તેવી રજુઆત કરી છે. પ્રાણી પ્રેમી જુથ અવની વાઘણને શુટ કરવાના બદલે તેને બેભાન કરી બીજી જગ્યા પર ખસેડી શકત તેવી દલીલ પણ કરી રહ્યા છે. અવનિ વાઘણે માણસો ઉપર હુમલા કર્યા તેની પાછળ આડેધડ જંગલોને માણસો દ્વારા થતું નુકશાન છે તેમ પણ વિરોધ પ્રદર્શિત કરનારા સભ્યોએ જણાવ્યુ હતું. આ એક વાઘણ ને મારવાની વાત નથી પરંતુ સરકાર દ્વારા જંગલની જમીન ઉપર થઈ રહેલ અતિક્રમણ ની વાત છે.
WSON Team
જોકે આ સમગ્ર મામલે પ્રાણી પ્રેમી અને કેનાઇન ગ્રુપના વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે દેશમાં હવે વધોની ખુબ જ ઓછી સંખ્યા બચી છે. વાધને બચાવવા માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ મહારાષ્ટ્રમાં જે વાઘણ અવનીને મારવામાં આવી છે તે શરમજનક બાબત છે. અવની ની હત્યાએ વન્ય જીવ અને તેના માટે કામ કરતાં તમામ લોકો માટે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જ્યારે આપણી પાસે વન્ય જીવો ના સંરક્ષણ માટે ખ્યાતનામ તજગ્નો હોય ત્યારે જો રાજનૈતિક લોકોની સલાહ લેવામાં આવે અને તેની ઉપર અમલ પણ કરવામાં આવે તો એનાથી દયનીય પરિસ્થિતી બીજી શું હોય શકે.
WSON Team
પ્રદર્શન દરમ્યાન હાજર રહેલ એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી ના ડો રણજીતસિંહ દેવકરે અવનિના શિકાર માટે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યુ હતું કે આ આખા વિષયમાં લાગણીમાં આવી જવાથી કોઈ પરિણામ નહીં મળે. પરંતુ દેશના પર્યાવરણ ખાતાએ આવા અને આનાથી પણ વધુ પેચીદા મામલાઓને પહોંચી વળવા એક્શન પ્લાન બનાવવો જોઈએ. આ એક દુખની વાત છે કે આપના દેશમાં હજી સુધી વન્ય જીવો માટે કન્ઝર્વેશન પ્લાન નથી.આજે અવનિ સાથે જે થયું તે વન્ય જીવ સંરક્ષણ માટે એક કટોકટી ની પરિસ્થિતી જાહેર કરવા જેટલી ગંભીર બાબત છે. ડો દેવકરે એમ પણ જણાવ્યુ હતું કે દેશના ઉદ્યોગપતિઓએ એક મહત્વનો ભાગ ભજવવો પડશે અને વન્ય ક્ષેત્રોમાં વસતા લોકો માટે આજીવિકા માટે પોતાનું યોગદાન આપવું પડશે. પર્યાવરણ વિદ્દ ડો જીતેન્દ્ર ગવળી એ અવનિ ના અપમૃત્યુ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતું કે જો વન્યજીવો પાસે થી તેમના વિસ્તારો અને તેમના જીવન જીવવાના કુદરતી સ્ત્રોતોને મનુષ્ય પોતાના સ્વાર્થ માટે બરબાદ કરતો રહશે તો બહુ નજીક ના ભવિષ્યમાં પોતે પણ કુદરતી આફતોનો શિકાર બનશે.
WSON Team
પર્યાવરણના શિક્ષક હિતાર્થ પંડયાએ જણાવ્યુ હતું કે અવનિ ના શિકાર માટે સરકારે જંગલ ખાતા કરતાં બહારના વ્યક્તિને બોલાવવી પડી એ એક દુખની વાત છે. આ વાત થી એટલું તો સાબિત થાય જ છે કે વન વિભાગ પાસે ટ્રાક્વિલાઇઝર ગન ચલાવી શકે એવા અધિકારીઓએ કે કર્મચારીઓ નથી. બીજી બાજુ એ વાત કોઈ અવગણી નહીં શકે કે જેટલી લાગણી એક ફોરેસ્ટ ખાતાના સ્ટાફ ને વન્યજીવ માટે હોય શકે તેટલી એક શિકારી ને ના હોય શકે. સરકારે જંગલ ખાતાને પૂરતું ભંડોળ અને કૌશલ્ય પ્રદાન કરવું પડશે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં 14 જેટલા લોકોનો જીવ લેનાર વાઘણ અવનીને વનવિભાગ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં  આવી હતી. આ 5 વર્ષીયના મોત બાદ આસપાસના વિસ્તારોમાં જશ્નનો માહોલ બની ગયો હતો. લોકો ફટાકટા ફોડી, મિઠાઇ ખવરાવીને ખુશીઓ મનાવી હતી. ત્યારે બીજી બાજુ વડોદરા સહિતના અનેક શહેરોમાં આ વાઘણને શુટ આઉટ કરવાના મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે.