ગીર જંગલમાં સિંહોની વસ્તી 533 થી વધીને આશરે 600 સુધી પહોચી
સાસણ ગીર ખાતે ૩ માર્ચના રોજના રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થઇ હતી. આ પ્રસંગે કેન્દ્રીય વનપ્રધાન તથા ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારની સિંહ – સંરક્ષણ અને સંવર્ધનની નીતિ તેમજ સ્થાનિક લોકોના સહયોગથી સિંહોની સંખ્યા હાલ ૬૦૦ આસપાસ થઇ ગઇ છે. ૩ માર્ચના વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થાય છે. સાસણ ખાતે રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ ”મોટા શિકારી વન્ય જીવો ભયના ઓથાર હેઠળ” હતી. રાષ્ટ્રીય કક્ષાની આ ઉજવણીમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધન, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી તથા વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,
wildstreakofnature.com
સરકારની સિંહ સંરક્ષણ અને સંવર્ધનની નીતિ અને સ્થાનિક લોકોના સહયોગથી હાલ સિંહોની વસ્ત્રી ૬૦૦ આસપાસ થઇ છે. અત્રે નોંધનીય છે કે છેલ્લે થયેલી સિંહોની ગણતરી બાદ સિંહોની સંખ્યા ૫૩૩ હતી. જયારે કેન્દ્રીય વન અને પર્યાવરણમંત્રીએ વડાપ્રધાનના વર્ષ ૨૦૨૨ માં નવા ભારતના સ્વપ્નને સરકાર કરવા દેશનાં નાગરિકોને ગ્રીન સૈનિક બનવા આહવાન કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનનું સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાણ કરી લુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન માટે જીઓલોજી સર્વેલન્સ ઓફ ઇન્ડીયાની સહભાગીતા વધારવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના વન મંત્રીએ ગીર અભાયરણ્યના વિકાસ માટે ૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં કયાં – કયાં કામ થશે એ બાબતે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. સેમિનાર પૂર્વે કેન્દ્રીયપ્રધાને તથા તેના પત્નીએ ગીર સફારી પાર્કમાં સિંહ દર્શન કર્યા હતા. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના વન વિભાગના અધિકારીઓ, જૂનાગઢ કલેકટર, આઇ.જી., એસ.પી., તેમજ સાંસદ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. દુર્લભ પ્રાણી સંરક્ષણ કાર્યક્રમ તહેત રાજ્યમાં ૧૭,૩૩૦ ચો. કિ.મી. વિસ્તારમાં ૪ રાષ્ટ્રિય ઊદ્યાનો-ર૩ અભયારણ્યો-૧ કન્ઝર્વેશન રિઝર્વ ગુજરાતમાં છે. જેમાં પ૧૩ પ્રજાતિના પક્ષીઓ-૧૧૪ જાતિના સરીસૃપો-૭ હજારથી વધુ કિટક અને મૃદુકાય જીવોના જતન-સંવર્ધન-સંરક્ષણ માટે વન વિભાગ સતત કર્તવ્યરત છે.
ગુજરાતના સાસણ ગીર એશીયાટીક લાયન માટે જગ વિખ્યાત છે. ત્યારે જંગલની કુતુહલ પમાડે તેવી વન્યજીવોની તસ્વિરો અનેક સામે આવતી રહે છે. ગીરના જંગલ વિસ્તારમાં આવેલ એક કાચા મકાનમાં બનાવેલ એક મંદિરની બહાર જાણે નર સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ બેઠો હોય એવું લાગી રહ્યું છે. ગીરના ઘોકડવાના જંગલોમાં એક મંદિરની બહાર સિંહ બેઠો હોય તેવી તસ્વિર વાઈરલ થતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. ઘોકડવાના જંગલ વિસ્તારમાં ચિતલ કુબા નેસમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. મંદિરના દરવાજા બહાર એક સિંહ જાણે કે મંદિરના દ્વાર ખુલવાની રાહ જોતો હોય તેમ તસ્વિરમાં કેદ થયો હતો. જોકે વન્યપ્રાણીઓની આવી તસ્વિરો ભાગ્યે જ કેમેરામાં કેદ થતી હોય છે. જયારે આવી તસ્વિરો કેમેરા કેદ થાય છે. ત્યારે જોનારની ઉત્સુકતામાં વધારો થતો હોય છે. તેમાની આ એક તસ્વિર પણ હાલ લોકોમાં કુતુહલ જગાવી રહી છે.
ઘોરાડની ઘટતી સંખ્યા પર્યાવરણજગતના ચિંતકો માટે ચિંતાનો વિષય બની રહી છે,
જૈવ વૈવિધ્યથી સભર સૃષ્ટિની સંપદા સમાન ઘોરાડની ઘટતી સંખ્યા પર્યાવરણજગતના ચિંતકો માટે ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે કચ્છ પ્રદેશના લાલા અભયારણ્યમાં ધરતીપુત્રોના એક જૂથે ઘોરાડને બચાવવાના હેતુ સાથે સજીવ ખેતી કરવાની પ્રેરક પહેલ કરી છે. અનુસરવા જેવા સંકલ્પ હેઠળ કચ્છના ધરતીપુત્રોના એક સમૂહે ઘોરાડનાં અનાજને ઝેરીલું બનાવતાં ઝેરી, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોનો ખેતીમાં ઉપયોગ નહીં કરવાનો ફેંસલો કર્યો છે. આઈયુસીએનના અહેવાલ અનુસાર, અત્યારે ઘોરાડની સંખ્યા ચિંતાજનક રીતે માત્ર 20ની રહી ગઈ છે, ત્યારે ખેડૂતોએ કોર્બેટ ફાઉન્ડેશન નામે સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકલન સાધીને સજીવ ખેતીની પદ્ધતિ અપનાવીને મગ ઉગાડ્યા છે.
natureconservation.in
તજજ્ઞોના મત મુજબ, ખેડૂતો ખેતીમાં જંતુનાશકોનો ઉપયોગ કરે છે ત્યારે ઘોરાડ તેનો જંતુઓ, તીડ, ગરોળી જેવા મોટાભાગનો ખોરાક ખોઈ બેસે છે, જેનાં પગલે તેને પાકના નાના જંતુઓની શોધ કરવી પડે છે, પરિણામે પાકનો પણ સોથ વળે છે. સજીવ ખેતી અપનાવવાનો પ્રયોગ એ હદે પ્રોત્સાહક રહ્યો છે કે, કોર્બેટ ફાઉન્ડેશન અને ખેડૂતોએ `ઘોરાડ’ના બ્રાન્ડનેમ સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે અરજી કરવાનો પણ ફેંસલો કર્યો હતો.
કચ્છ ઈકોલોજિકલ રિસર્ચ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર અને રાજ્ય ઘોરાડ સંરક્ષણ સમિતિના સભ્ય દેવેશ ગઢવીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવ્યું હતું કે, ઘોરાડનો 30 ટકા જેટલો ખોરાક ખેતર, વાડીમાંના જંતુઓ છે અને ઝેરી જંતુનાશક ઘોરાડના આહારરૂપ આ જંતુઓ માટે જીવલેણ નીવડતાં હોય છે, તેવું અમે સમજી શક્યા છીએ. સજીવ ખેતીનાં પરિણામો ભારે પ્રોત્સાહક રહ્યા.
જંતુનાશકોનો વપરાશ બંધ કરીને ખેડૂતો પ્રારંભિક તબક્કે 700 કિલો મગ ઉગાડી શક્યા, તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં, સજીવ ખેતીથી ખેડૂતો ઘોરાડના સંરક્ષણ ઉપરાંત વધુ કમાણીનો હેતુ પણ પાર પાડી શક્યા. સોશિયલ મીડિયા પર પ્રચારથી માત્ર બે દિવસમાં મગ વેચાઈ ગયા. બજારમાં કિલોના 45 રૂપિયા મેળવતા કિસાનોને એક કિલોના 70 રૂપિયા મળ્યા. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) દ્વારા તેના એક તાજા અહેવાલમાં કચ્છ તેમજ સમગ્ર દેશમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડની ઘટતી સંખ્યા સંદર્ભે ચિંતા વ્યક્ત કરાઈ છે. આ અહેવાલ નોંધે છે કે, ખાનગી, સામુદાયિક અને સરકારની સંસ્થાઓ વચ્ચે વહેંચાયેલી માલિકીથી સર્જાતી સંદિગ્ધ સ્થિતિ, દબાણ જેવી સમસ્યાઓ કચ્છ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘોરાડ અભયારણ્યોમાં છે. (News Source : કચ્છ મિત્ર)
વન વિભાગ દ્વારા અને રાજય સરકાર દ્વારા અમદાવાદ જીલ્લામાં આવેલા થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવવાની હોવાથી પ્રવાસીઓ માટે બે દિવસ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા આગામી તા. 09 અને તા.10 ફેબ્રુઆરીના રોજ થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે પક્ષીઓની ગણતરીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જોકે આ કામગીરી દરમિયાન પક્ષીઓની ગણતરીની પ્રક્રિયામાં ખલેલ ન પહોચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બે દિવસ માટે અભ્યારણ્યમાં પ્રવેશ મેળવી શકશે નહિ..પક્ષી ગણતરીમાં કોઈ મુશ્કેલી ના થાય તે માટે વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ મોરના 10 મૃતદેહોને એફએસએલ રિપોર્ટ માટે મોકલ્યા
મોરબી માળીયામિંયાણા ના જુનાઘાંટીલા ગામે નવા તળાવની પાળ નીચે બાવળની જાડીમાં ફસાયેલા 10 મોર ના મૃતદેહો મળતા આ વિસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી. એક મોર સાત ઢેલ અને બે બચ્ચા મળીને દસ મોરના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ જુનાઘાંટીલાના નવા તળાવની બાજુમાં ગાંડા બાવળ ની જાડીમાં એક યુવકને દસ જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલના મૃત હાલતમાં મૃતદેહો જોઈને યુવાને સામાજીક કાર્યકર કાંતિલાલ રવજીભાઈ ચાવડાને જાણ કરી હતી અને તેમને વધુમાં ગામના સરપંચ ચંદુભાઈ લક્ષ્મણભાઈ વિડજા અને દિલીપભાઈ ઠાકોરને જાણ કરતા સરપંચ અને ગામના આગેવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.. તેમજ મામલો ગંભીર જણાતા સરપંચે તુરંત વનવિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તાત્કાલિક ફોરેસ્ટ અધિકારી સહીતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી..
social media
જેમને બારીકાઈ થી નિરીક્ષણ કરતા મોરના મોત ઝેરી ખોરાક ખાવામાં આવી જતા ઝેરી અસર થી દસ રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ભેટ્યા નુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ હતું.. જોકે રાષ્ટ્રીયપક્ષી મોર ના મોત ઝેરી ખોરાક કે અન્ય કારણોસર મોતને ભેટયા તેનુ સાચુ કારણ એફએસએલ રિપોર્ટ બાદ જ જાણવા મળશે..
તેમજ આ વિસ્તાર માં મોટીસંખ્યામાં મોર જોવા મળે છે ત્યારે જુનાઘાંટીલા ના પાદરમાં ૧૦ જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.. ૧૦ જેટલા મોરના શંકાસ્પદ હાલતમાં મોતથી રાષ્ટ્રીયપક્ષી મોરના મોત ના પગલે ગ્રામજનો અને જીવદયાપ્રેમીઓમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેમજ આ ઘટના અંગે યોગ્ય તપાસ કરી મોતનુ સાચુ કારણ બહાર લાવવા ગ્રામજનોએ ફોરેસ્ટ અધિકારીઓ ને જણાવ્યુ હતુ. હાલ તમામ દસ મૃતદેહોને ફોરેસ્ટ વિભાગે કબ્જો લઈ મોરને પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા.