3 મહિના પહેલા જન્મેલ બાળ સિંહ સિમ્બા અને રેવા પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળ્યા..
એશીયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે. સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે જંગલ જંગલ પતા ચલા હૈ,શ્રધ્ધા કે ઘર પલના બંધા હૈ ના ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું.
હવે આ બંને બાળ સિંહો એ પહેલીવાર પિંજરા ના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે.
એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક ( જંગલ સફારી)માં 3 મહિના પહેલા માદા સિંહ “શ્રદ્ધા”એ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. careful care taking ની આ એક અનુપમ સિદ્ધિ હતી.
સિંહ યુગલ “સુલેહ” અને “શ્રદ્ધા” ના સફળ પ્રજનન બાદ જન્મેલા બંને સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી.જેનું ઉમદા પરિણામ મળ્યું છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે બંને સિંહ બાળ “સિમ્બા” અને “રેવા”ને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા,બંને નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ – સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું.
જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશા પ્રશું પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે.આજે બંને સિંહબાળ ને પિંજરામાં છોડાતા એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી થી ખીલી ઉઠ્યા હતા.
અત્રે અમદાવાદથી સહપરિવાર પ્રવાસે આવેલા મનદીપભાઈએ સિંહબાળની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે,નાના સિંહ બાળને બહાર ખુલ્લામાં જોવાનો અમને મોકો મળ્યો છે,નિર્દોષ સિંહબાળની મસ્તી જોઈને પરિવારજનોનો અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે.
તમે પણ રાહ જોયા વગર ઝડપથી એકતા નગર જંગલ સફારીમાં પહોંચી જાવ અને મસ્તીખોર સિંહ બાળો ને રમતા નિહાળી વેકેશન ને સફળ અને યાદગાર બનાવો…
કાંટાળા ઉંદર તરીકેની ઓળખ ધરાવતા ભારતીય હેજહોગ (સેળો, શેરો, શેળો) ભારત અને પાકિસ્તાનમાં જોવા મળતી એક જંગલી પ્રજાતિ છે.
WSON Team
હેજહોગ મુખ્યત્વે રેતાળ વિસ્તારોમાં રહે છે પરંતુ અન્ય વાતાવરણમાં પણ જોવા મળે છે. ભારતમાં ગુજરાત રાજસ્થાન અને પંજાબના વિસ્તારોમાં હેજહોગ જોવા મળે છે.
ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં રહેતા હોવાને કારણે ખોરાક મળવો મુશ્કેલ હોય તે સમયે તેઓ પોતાની ચયાપચયની ક્રિયા ઘટાડવાનો અનોખો ગુણ પણ ધરાવે છે.
હેજહોગ એ કાંટાળું સસ્તન પ્રાણી છે. સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના અને ન્યુઝીલેન્ડમાં મળીને તેમની પાંચ જાતિઓ જોવા મળે છે. એટેલરિક્સ, એરિનેસિયસ, હેમીચીનસ, મેસેચીનસ, પેરાચીનસ આ ૫ પ્રજાતિમાંથી ભારતીય હેજહોગ પેરાચીનસ પ્રજાતિનો ભાગ છે. આ પ્રાણીઓ ઉષ્ણકટિબંધીય આબોહવા પસંદ કરે છે અને શુષ્ક વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ પોતાની રીતે જીવન જીવે છે . જંગલી પ્રાણીઓમાં ફક્ત હેજહોગ જ દરમાં રહે છે.
હેજહોગ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ના અનુસૂચિ IV હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે:WSON Team
કાંટાળા ઉંદર તરીકે ઓળખાતા આ જીવ નાના જીવ-જંતુઓને ખોરાક તરીકે લે છે. તે પ્રમાણમાં નાના હોય છે. તેઓ એકદમ ઝડપી હોય છે. જો કે લાંબા કાનવાળા હેજહોગ જેટલા ઝડપી નથી. પુખ્ત નર શેળોનું વજન લગભગ 435 ગ્રામ અને પુખ્ત માદાનું વજન લગભગ 312 ગ્રામ જેટલું હોય છે. તેનો રંગ મુખ્યત્વે ભૂરા રંગના થોડા હળવા શેડ્સનો છે. તેની પૂંછડી લગભગ 2-4 સેન્ટિમીટર લાંબી હોય છે. તેઓ માથું નાનું, લાંબું નાક, નાની-કાળી આંખો અને પ્રમાણમાં મોટા કાન ધરાવે છે. તેના પંજા નાના પરંતુ મજબૂત હોય છે. હેજહોગ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ના અનુસૂચિ IV હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. તેમના મગજમાં પણ એસીટીલ્કોલીનેસ્ટેરેઝની હાજરીને કારણે એન્ઝાઇમની ઘણી બધી પ્રવૃત્તિ થતી રહે છે.
ભારતીય હેજહોગ લગભગ 45 સેમી લાંબો ખાડો ખોદવામાં સક્ષમ છે:WSON Team
અવનવા ગુણધર્મો ધરાવતા ભારતીય હેજહોગને શિકારીથી બચાવવા માટે શરીરના ઉપરના ભાગમાં કાંટા વાળી કરોડરજ્જુ હોય છે. જ્યારે તેઓ જોખમ અનુભવે છે ત્યારે તેઓ સ્વ બચાવ માટે તરત જ એક બોલમાં રૂપાંતરિત થઈ જાય છે અને તેમની કાંટાળી કરોડરજ્જુ થી પોતાનું રક્ષણ કરે છે. ભારતીય હેજહોગ લગભગ 45 સેમી લાંબો ખાડો ખોદવામાં સક્ષમ છે. તેઓ તેનો ઉપયોગ સૂવા માટે અને રક્ષણ માટે કરે છે.
ભારતીય હેજહોગ હાડકા સહિતના સમગ્ર શિકારને ખાઈલે છે:WSON Team
ભારતીય હેજહોગ ખોરાક શોધવામાં ખૂબ જ નિપુણ છે. જંતુઓ, નાના કૃમિને પણ મોટાભાગે તે ખોરાક બનાવે છે. હેજહોગની આ જાતિ કોઈ છોડ ખાતી નથી. જેથી તેમણે પાણી માટે બહારના સ્ત્રોતોની જરૂર પડે છે. આ જીવો જ્યારે ખોરાક મળવો મુશ્કેલ હોય તેવા સંજોગોમાં તેમના ચયાપચયની ક્રિયાને ઘટાડવા માટે પણ જાણીતા છે. ખોરાક લેતી વખતે ભારતીય હેજહોગ હાડકા સહિતના સમગ્ર શિકારને ખાઈલે છે. તે જમીન પર માળો બાંધતા પક્ષીઓના ઇંડા પણ તોડીને ખોરાક લે છે. કેટલીક પરિસ્થિતિઓમાં હેજહોગ બીમાર અથવા નબળા નવજાત હેગહોજ શિશુને પણ આરોગે છે.
માદા હેજહોગ વર્ષમાં એક વાર 2 થી 3 બાળકને જન્મ આપે છે:WSON Team
આ નાના જીવોમાં અગત્યની બાબત એ છે કે નર અને માદા હેજહોગ માત્ર સમાગમની મોસમ દરમિયાન મળે છે . જીવનસાથીની શોધ કરતી વખતે, નર અને માદા ભારતીય હેજહોગ અવાજ કરે છે. તેઓ મોટા ભાગે વસંત અને ઉનાળાની ઋતુમાં સમાગમ કરે છે. માદા હેજહોગ વર્ષમાં એક વાર 2 થી 3 બાળકને જન્મ આપે છે. એક અઠવાડિયાની ઉંમર થયા બાદ નવજાત શિશુ બોલમાં રૂપાંતરિત થવા સક્ષમ બને છે અને લગભગ 21 દિવસ પછી તેમની આંખો ખોલે છે. નર હેજહોગ સામાન્ય રીતે પિતૃત્વની પ્રક્રિયામાં ભાગ લેતા નથી માદા હેજહોગ જ બચ્ચાંની સંભાળ રાખી તેમનો ઉછેર કરે છે.
ભારતીય હેજહોગ એકલા રહેવાનું પસંદ કરે છે:WSON Team
જ્યારે તેમના દરમાં અન્ય પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે, ત્યારે આ પ્રાણી પોતાને બચાવવા માટે એક બોલમાં પરિવર્તિત થાય છે. જ્યારે કોઈ અજાણી વસ્તુ સંપર્કમાં આવે છે ત્યારે તે તેની કરોડરજ્જુ પર લાળ ફેલાવે છે. તેમનું આ કરવા પાછળનું કારણ હજી પણ અજ્ઞાત છે પરંતુ ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે તેઓ નવી પરિસ્થિતિની સામે સલામતીને ચિહ્નિત કરવા માટે તેઓ લાળ ફેલાવે છે.
ભારતીય હેજહોગ એકલા રહેવાનું પસંદ કરે છે. જોકે નોંધાયું છે કે આ પ્રાણી જ્યારે દરમાં હોય છે ત્યારે અન્ય હેજહોગ સાથે તે પોતાનો દર પણ શેર કરે છે. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓમાં આ ગુણ જોવા મળતો નથી.
ભારતીય હેજહોગ વિશે જાણવા જેવુWSON Team
જંગલી પ્રાણીઓમાં ફક્ત હેજહોગ જ દરમાં રહે છે.
હુમલો થતા આ પ્રાણી પોતાને બચાવવા માટે એક બોલમાં પરિવર્તિત થાય છે.
ભારતીય હેજહોગ લગભગ 45 સેમી લાંબો ખાડો ખોદવામાં સક્ષમ છે.
જમીન પર માળો બાંધતા પક્ષીઓના ઇંડા તોડીને તેનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
અજાણી વસ્તુ સંપર્કમાં આવે છે ત્યારે તે તેની કરોડરજ્જુ પર લાળ ફેલાવે છે
જીવનસાથીની શોધ કરતી વખતેનર અને માદા ભારતીય હેજહોગ અવાજ પણ કરે છે
મોટે ભાગે આ પ્રાણી વસંત અને ઉનાળાની ઋતુમાં સમાગમ કરે છે
માદા હેજહોગ નર હેજહોગની મદદ વિના જ બચ્ચાંની સંભાળ રાખી તેમનો ઉછેર કરે છે.
જન્મના 21 દિવસ બાદ શિશુ હેજહોગ આંખ ખોલે છે.
ભારતીય હેજહોગ (સેળો, શેરો, શેળો)
WSON Team
જાતિનું નામ:પેરાચીનસ માઇક્રોપસ
કુટુંબ:એરીનેસીડે
મધ્યમ તાપમાન:ગરમ, શુષ્ક આબોહવા પસંદ કરે છે.
સ્વભાવ: મોટે ભાગે એકાંત જીવ જે મોટે ભાગે સમાગમ દરમિયાન અન્ય માદા સાથે સંપર્ક કરે છે.
રંગનું સ્વરૂપ:ચહેરા, બાજુઓ અને પેટ પર સફેદ ફર સાથે ભૂરા રંગના વિવિધ શેડ્સ
આયુષ્ય:અજ્ઞાત
કદ:નર (435 ગ્રામ) માદા (312 ગ્રામ)
આહાર:જંતુઓ, અનુકૂળ ભૃંગ, કૃમિ, ગોકળગાય, વીંછી, નાના કરોડરજ્જુ અને જમીનના ઇંડા
આવાસ:ઉષ્ણકટિબંધીય કાંટાના જંગલો અને સિંચાઈવાળી ખેતીની જમીનો જ્યાં જમીનમાં ઢંકાયેલા ખાડાઓ બનાવી શકાય છે.
Writer: Biny Patel, Nature lover, Traveller, and journalist
સેંકડો લોકોએ દ્રષ્ટિ ગુમાવ્યા બાદ તેમના ઓપરેશન કરાવ્યા હશે પરંતુ એશિયાટીક સિંહની દ્રષ્ટિ જતા તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યાની પ્રથમ ઘટના ઘટી છે.
આ એશિયાટીક સિંહને રેસ્ક્યુ કરી તપાસ કરતા તેને કઈ દેખાતું ન હોવાનું સામે આવ્યું હતું. આથી આ એશિયાટીક સિંહની નેત્રમણી ફિટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન અન્ય એક એશિયાટીક સિંહનું કુદરતી મોત થતા પી.એમ. બાદ તેની આંખ કાઢી તેનું માપ અને અન્ય વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે માપની નેત્રમણી આવતા એશિયાટીક સિંહમાં આરોપણ કરવામાં આવી હતી અને દ્રષ્ટિહીન એશિયાટીક સિંહને નવી દ્રષ્ટિ મળી છે.
Social Media
ગીર જંગલના જામવાળા રેન્જ આસપાસ એક પાંચેક વર્ષનો યુવાન એશિયાટીક સિંહ રહેતો હતો. પણ હરકત કરતો નહી વનવિભાગના સ્ટાફને શંકા જતા આ એશિયાટીક સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને સિંહની આંખોની તપાસ કરતા એશિયાટીક સિંહની આંખોમાં મોતિયો હોવાથી તે જોઈ શકતો ન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ સિંહને સક્કરબાગ લાવવામાં આવ્યો હતો.
એશિયાટીક સિંહની વય પાંચેક વર્ષની હતી.અને તે જોઈ ન શકવાથી શિકાર ન કરી શકે તો જંગલમા ન રહી શકે એવી સ્થિતિ થઈ ગઈ હતી.આથી આ એશિયાટીક સિંહને નેત્રમણી આરોપણ કરી નવી દ્રષ્ટિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ડો. રીયાઝ કડીવાર, વેટરનરી તબીબ અને તેની ટીમ દ્વારા ઓપરેશન કરવાનુ નક્કી કરવામાં આવ્યું. દ્રષ્ટિહીન બનેલા એશિયાટીક સિંહની નેત્રમણી બેસાડવાનું કામ અને તેનું માપ લેવાનું કામ કપરૂ હતું.
Social Media
નેત્રમણી મદુરાઈ બનતી હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ ત્યાં આંખનું માપ તેમજ અન્ય વિગત મોકલવી પડે તેમ હતી.આ બાબતને લઈને મૂંઝવણ ઉભી થઇ હતી.આ દરમ્યાન ગીર જંગલમાં એક એશિયાટીક સિંહનું કુદરતી રીતે મોત થયું હતું. આથી આ સિંહના પી.એમ.બાદ તેની આંખો કાઢી આંખના સર્જન તેમજ વેટરનરી તબીબોએ તેના માપ સહિતની વિગતો લઈ મદુરાઈ લેબોરેટરીમાં મોકલી હતી.
ત્યાંથી નેત્રમણી બનીને આવી જતા આંખના સર્જન અને વેટરનરી તબીબોએ સર્જરી કરી નેત્રમણી આરોપણ કરી હતી. ત્યારબાદ આ એશિયાટીક સિંહને નવી દ્રષ્ટિ મળી છે. હવે આ સિંહ આસપાસમાં હલચલ જોઈને તેને પ્રતિસાદ આપે છે. આગામી સમયમાં આ એશિયાટીક સિંહને જંગલમાં છોડી મુકવામાં આવશે.
જંગલના ખૂંખાર રાજા પણ મોતીયોનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે અને આવા દ્રષ્ટિહીન બનેલ એશિયાટીક સિંહની સફળ સર્જરી પણ કરવામાં આવી હવે આ એશિયાટીક સિંહને થોડા જ સમયમાં ફરી તેના જંગલમાં છોડવામાં આવશે.
રિલાયન્સ દ્વારા એરપોર્ટ પર વર્ષ 2018 માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું
ગુજરાતના સ્થાપના દિવસથી અમદાવાદ એરપોર્ટ પર તમને અદભૂત નજારો જોવા મળશે. મુસાફરોથી ભરેલા આ એરપોર્ટ પર ગીરનું શીતળ વન ઉભુ કરવામાં આવ્યુ છે. અહી પગ મૂકતા જ તમને ગીરનો અહેસાસ થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. રિલાયન્સ દ્વારા એરપોર્ટ પર વર્ષ 2018 માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આ ગેલેરીને ખસેડવામાં આવી છે. ગેલેરીને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માત્ર મુસાફરો જ નહિ, પરંતુ તેમને લેવા અને મૂકવા આવતા લોકોને પણ તેનો લાભ મળી રહે. વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયકેક્ટર પરિમલ નથવાણી દ્વારા અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડાયરેક્ટર જીત અદાણી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં મે 1, 2022ના રોજ ગુજરાત દિવસના પ્રસંગે કરવામાં આવ્યું હતું.
આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની આશરે 60 પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિદ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે. તેથી તેની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ જંગલમાં એશિયાટીક લાયન, હરણ, ચિત્તા અને પક્ષીઓનું મોડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં ચિત્તલ અને બ્લેકબક પણ છે. ગુજરાતના ગૌરવસમા સિંહોને એરપોર્ટ પર ડિસ્પલે કરવામાં આવ્યા છે. અને જો મુલાકાતીઓ આ સિંહો પર ઇશારો કરે છે તો સિંહો ગર્જના કરે છે. ગીરના જંગલ જેવું જ કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ એરપોર્ટ પર ગીર જંગલના ખ્યાલને રજૂ કર્યો હતો જેને એરપોર્ટ ઓથોરિટીએ ચરિતાર્થ કર્યો છે.
દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું
વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં આ દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી થોડા દિવસો અગાઉ એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ દીપડીનું મોત કોઈએ ઝેરી દવા આપી દીધી હોવાથી થયું હોવાના પણ આક્ષેપ થયા હતા. જોકે, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દીપડીનું મોત ડીહાઈડ્રેશન ના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે વન વિભાગના અધકારીએ જણાવ્યું હતું કે, દીપડીના મોત અંગે સવાલો ઉઠતા વન વિભાગ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કોઈ પણ ઝેરી પદાર્થના સેવનના કારણે મોત થયું હોય તેવું સામે આવ્યું નથી. આ અંગેનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે.